વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો રાજકોટ : આજે તારીખ 9 એપ્રિલના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે જૈન સમાજ દ્વારા ઐતિહાસિક અને અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો જૈન શ્રાવકોએ એક સાથે નવકાર મહામંત્રના જાપ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમનો શુભારંભ દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો અને જૈન સમાજના આ પ્રયત્ને બિરદાવ્યો હતો અને શુભેચ્છા પાઠવી હતી.સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે હજારો જૈનો ઉમટી પડ્યા હતા. વિશ્વ નવકાર મહામંત્ર દિવસના આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણ અને અહિંસાનો સંદેશ ફેલાવવાનો હતો. નવકાર મહામંત્રના પઠન દ્વારા જૈન સમાજે એકતા, આધ્યાત્મિક શુદ્ધિ અને સમગ્ર જીવો પ્રત્યે સ્નેહનું ઉદાહરણ પાડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અનમોલ છે. નવા સંસદ સભ્યમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. તેમણે વિશ્વના 108થી વધુ દેશોમાં આ સંદેશ પહોંચાડવાના જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને સૌને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમના સંદર્ભમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઈને આજે રાજ્યના તમામ કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પણ આ અંગે જાહેરનામું બહાર પાડીને શહેરમાં કતલખાનાઓ બંધ રાખવા સૂચના આપી હતી. આ ઐતિહાસિક કાર્યક્રમ JITO રાજકોટ અને જૈન સમાજના સંયુક્ત પ્રયાસોથી સફળ બન્યો હતો. આ આયોજનને સફળ બનાવવામાં JITO ચેરમેન હેમલભાઈ શાહ, નવકાર પ્રોજેક્ટ કન્વીનર કિશોરભાઈ દોશી, હિમાંશુભાઈ મહેતા, શૈલેષભાઈ બધાણી, અમિતભાઈ મહેતા, અને JBN પ્રમુખ રાજેશભાઈ લાઠીયાએ જહેમત ઉઠાવી હતી.