ગાંધીચોક, બાપા સીતારામ ચોક અને કુળદેવી પાન પાછળ ભાડું ચૂકવી રેંકડી રાખી શકાશેમોરબી : મોરબી શહેરને ટ્રાફિક અને ગંદકી મુક્ત બનાવવા માટે મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મન પડે ત્યાં ઉભા રહેતા રેંકડી ધારકો અને પાથરણાવાળાઓને હટાવી દીધા છે ત્યારે આ નાના ધંધાર્થીઓને કાયમી રોજગારી મળી રહે તેવા ઉદેશ્ય સાથે મહાનગર પાલિકા દ્વારા ગાંધીચોક, બાપા સીતારામ ચોક અને સામાકાંઠે કુળદેવી પાન પાછળ હોકર્સ ઝોન મંજુર કરી રૂપિયા 1500 માસિક ભાડાંથી રેંકડી-પાથરણાવાળાઓને રોજગારી માટે આયોજન કર્યું છે.મોરબી મહાનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના અધિકારી હિતેષ રવેસિયાના જણાવ્યા મુજબ મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ નાના ધંધાર્થીઓને પણ રોજગારી મળી રહે તેવા હેતુ સાથે મહાનગર પાલિકા દ્વારા પ્રથમ તબક્કે શહેરના ત્રણ સ્થળોએ હોકર્સ ઝોન મંજુર કરવામાં આવ્યા છે. જેમાં શહેરના ગાંધીચોકમાં 60થી 65 ધંધાર્થીઓ, બાપા સીતારામ ચોક પાસે 30થી 32 તેમજ સામાકાંઠા વિસ્તારમાં કુળદેવી પાન પાછળ 25થી 30 જેટલા રેંકડી -પાથરણા વાળા માટે જગ્યા ફાળવવા નક્કી કરવામાં આવ્યું છે.જો કે, હોકર્સ ઝોનમાં માથાભારે લોકો એકથી વધુ જગ્યા ઉપર ઉભા રહી જતા હોવાની ફરિયાદ ન મળે તે માટે મહાનગર પાલિકા દ્વારા આધારકાર્ડ સહિતના પુરાવા મેળવી દરેક કુટુંબમાંથી એક જ વ્યક્તિને જગ્યા ફાળવવામાં આવનાર હોવાનું જાહેર કર્યું છે, વધુમાં મહાનગર પાલિકાના હોકર્સ ઝોનમાં સાફ સફાઈ કરવાની જવાબદારી રેંકડી-કેબીનધારકોની રહેવાની સાથે દર મહિને રેંકડી-કેબીન કે પાથરણા વાળા પાસેથી 1500 રૂપિયા ભાડું લેવામાં આવશે અને આ અંગેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ હિતેશ રવેસીયાએ જણાવ્યું હતું સરદાર બાગ સામે ધંધાર્થીઓ પાસેથી ભાડું વસૂલાશેમોરબી મહાનગર પાલિકા દ્વારા શનાળા રોડ ઉપર સરદારબાગ સામે પે એન્ડ પાર્કિંગ શરૂ કરવા કાર્યવાહી શરૂ કરી છે અને અહીં સવારના સમયે ભરાતી શાકમાર્કેટમાં ઉભા રહેતા ધંધાર્થીઓ પાસેથી પણ ટૂંક સમયમાં ભાડું વસુલ કરવામાં આવશે તેવું મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયું છે.જેલ નજીક ચોથો હોકર્સ ઝોન બનશે મોરબી શહેરમાં ગાંધીચોક, બાપા સીતારામ ચોક અને કુળદેવી પાન પાછળ હોકર્સ ઝોન મંજુર કરવાની સાથે ટૂંક સમયમાં જ લીલાપર રોડ ઉપર જેલ નજીક વધુ એક ચોથો હોકર્સ ઝોન બનાવવાની પ્રકિયા ચાલુ હોવાનું અને ટૂંક સમયમાં જ અહીં પેવર બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ થયે અહીં પણ રેંકડી કેબીન ધારકો અંતે જગ્યા ફાળવવામાં આવશે તેવું મહાનગર પાલિકાએ જાહેર કર્યું હતું.