ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 10 જેટલી દુકાનો અને 19 જેટલા મકાનોને જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા હળવદ : હળવદના જીન વિસ્તારમાં સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટની ટિમ દ્વારા 39 જેટલા દબાણોનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 10 જેટલી દુકાનો અને 19 જેટલા મકાનોને જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા છે. હળવદ પ્રાંત અધિકારીના આદેશ અન્વયે સિટી સુપ્રીટેન્ડેન્ટની ટિમ દ્વારા આ ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 4 જેસીબી, 3 ટ્રેકટરની મદદથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ વેળાએ અંદાજે 40 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દબાણો દૂર કરી તંત્ર દ્વારા 13 વિઘાથી વધુ જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. બીજી તરફ અનેક કાચા મકાનો તોડી પાડવામાં આવતા પરિવારો ચો-ધાર આંસુએ રડી પડ્યા હતા. કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર તેઓનો આશરો છીનવી લીધો હોવાનું જણાવી તેઓએ ભારે રોષ પ્રગટ કર્યો હતો.