ચાર અજાણ્યા શખ્સોએ અપહરણ કરી રૂ.10 લાખ પડાવી લીધા : પોલીસે ફઇના દીકરા અને એક યુવતીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરીમોરબી : મોરબીના લાલપર ગામે રહેતા યુવાનને પ્રેમજાળમાં ફસાવી એક યુવતીએ ધુતી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર અજાણ્યા શખ્સોએ બાઈક લઈ આવી યુવતીને ઉતારી કારમાં બેસી ગયા હતા અને યુવાન તથા તેનો ફઈના દીકરાનું અપહરણ કરી રેપ કેસમાં ફિટ કરાવી દેવા ધમકી આપી ૫૦ લાખ રૂપિયા માંગ્યા હતા ત્યારબાદ ૧૦ લાખનો ચેક માંગી આ રકમ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં યુવાનના ફઈના દીકરાએ યુવતી સહિતના સાગરીતો સાથે મળી યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે યુવકના ફઈના પુત્ર અને એક યુવતીને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના લાલપર ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ધરાવતા પંકજ ભરતભાઈ ડઢાણીયા (ઉ.વ.૩૧) ગત તા.૧ એપ્રિલના તેના ઘરે હતા. ત્યારે તેના મોબાઈલમાં મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ફોન આવ્યો હતો જેમાં યુવતીએ તેનું નામ જ્હાન્વી હોવાનું અને અમરેલી જીલ્લાના વડીયામાં રહેતી હોવાનું કહ્યું હતું. ગત તા.૫ એપ્રિલના સવારે આઠેક વાગ્યે જ્હાન્વીએ પંકજને ફોન કરી ‘આજે ૧૧ વાગ્યા આસપાસ વિરંપુર આવવાની છું, તું પણ આવ’ તેવી વાત કરી હતી. પંકજ અને મોરબી તાલુકાના પીપળી ગામનો તેની ફઈનો દિકરો કિશન શાંતિભાઈ સોખરીયા કાર લઈ વિરપુર બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા ત્યારે જ્હાન્વી કારમાં બેસી ગઈ હતી અને તેણીએ પંકજને ‘તમે ગાડી પરબ થઈ બિલખા તરફ જવા દો, મારે મારી નણંદના ઘરે જવું ધ જવું છે, અહીં કોઈને ખબર પડી જશે' તેમ કહેતા આ ત્રણેય બિલખા તરફ નીકળ્યા હતા. ભેસાણ થઈ છોડવડી રોડ પર પહોંચ્યા ત્યારે જ્હાન્વીએ વોશરૂમ જવા કહી ગાડી રોકાવી હતી ત્યારે બે બાઈકમાં ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમાંથી એક શખ્સ જ્હાન્વીને બાઈક પર બેસાડી ભેસાણ તરફ જતો રહ્યો હતો. ત્રણ અજાણ્યા શખ્સો પંકજ અને કિશન સાથે કારમાં બેસી ગયા હતા. તેઓએ 'તમે આ લેડીઝને ક્યાંથી બેસાડેલ, આ બંનેને વાડીએ લઈ લો' તેમ કહી અપહરણ કર્યું હતું. ગાડી ચલાવતા શખ્સે ‘જ્હાન્વીને બે દિકરીઓ છે, તેને ૨૫-૨૫ લાખ રૂપીયા આપી દે નહીતર તને દુષ્કર્મના કેસમાં ફસાવી દઈશું' તેવી ધમકી આપી હતી.પંકજે તેની પાસે આટલા પૈસા નથી તેમ કહેતા આ શખ્સોએ ‘તું ચેક મંગાવી અમને આપી દે' તેમ કહી પંકજને તેની માતા સાથે વાતચીત કરાવી હતી પરંતુ તેની માતાએ ચેક આપવાની ના પાડી હતી. ત્યારબાદ આ શખ્સો પંકજ અને કિશનને વિસાવદર તરફ લઈ ગયા હતા. ત્યાંથી જેતપુર બસ સ્ટેશન પર લઈ ગયા હતા જ્યાં આ શખ્સોએ ‘કિશન અમારી પાસે છે, તું ચેક અથવા ૧૦ લાખ રૂપીયા લઈને જેતપુર આવીને કિશનને ફોન કરજે' તેમ કહી જેતપુર ઉતારી દીધો હતો. ત્યાંથી બસમાં બેસી પંકજ ઘરે પહોંચ્યો હતો. પરિવારને વાત કર્યા બાદ ગઈકાલે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જ્હાન્વી તથા ચાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.ભેસાણ પીઆઈ આર.બી. ગઢવી સહિતના સ્ટાફે એલસીબીની મદદથી તપાસ શરૂ કરી હતી. કિશનની પૂછપરછ કરતા શંકાસ્પદ બાબતો સામે આવી હતી. બાદમાં પ્રિયા નામની યુવતી અને કિશનને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો. આ બંનેએ સુલતાનપુરના શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઈ પોતાની સાથે હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય શખ્સો અજાણ્યા હોવાની કેફીયત આપી હતી. અન્ય શખ્સોને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ કિશને પોતાના પિતરાઈ પાસેથી જ ૧૦ લાખ રૂપીયા પડાવવા માટે સાગરીતો સાથે મળી પોતાના જ અપહરણનું નાટક કર્યું હતું પરંતુ પોલીસે આ ટોળકીનો ભાંડો ફોડી નાખ્યો હતો.ઓનલાઈન પેમેન્ટ વખતે યુવતી ૧૦ લાખ રૂપિયા જોઈ ગઈ અને લાલચ જાગીડીવાયએસપી હિતેષ ધાંધલયાએ જણાવ્યું હતું કે, પ્રિયા અને ફરિયાદી પંકજ ડઢાણીયા એકાદ સપ્તાહ પહેલા મળ્યા હતા. ત્યારે પંકજે પોતાના મોબાઈલ પરથી ઓનલાઈન પેમેન્ટ કર્યું ત્યારે પ્રિયાએ તેમાં ૧૦ લાખ રૂપીયા હોવાની જાણ થઈ હતી. આથી પંકજ પાસે આવેલા જમીન વેંચાણના આ પૈસા પડાવવા તેણે પંકજના ફઈના દિકરા કિશન સાથે મળી હનીટ્રેપનું સમગ્ર કાવતરૂ કર્યું હતું.