જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાછળ પડતર જગ્યામા તાલીમ ભવન મંજુર : રૂ.5.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવન માટે મંજુરીથી વૃક્ષો કપાયા હોવાનો બચાવમોરબી : બાળકોને પર્યાવરણનો પાઠ ભણાવાતા શિક્ષકોને તાલીમ આપવા માટે મોરબીમાં નિર્માણ પામવા જઈ રહેલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના નિર્માણ પહેલા જ વિવાદ સર્જાય તેવી બાબત સામે આવી છે, શહેરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાછળ પડતર પડેલી જગ્યામાં શિક્ષકોને તાલીમ આપવા માટેનું ટ્રેનિંગ સેન્ટર મંજુર થતા અહીં બિલ્ડીંગ બનાવવા વર્ષો જુના 20 જેટલા વૃક્ષોનો સોથ બોલાવી દેવામાં આવ્યો છે. જો કે, કોલેજના વ્યાખ્યાતાએ સરકારની જોગવાઈ મુજબ મંજૂરી લઈને જ વૃક્ષ કાપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મણિમંદિર નજીક આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાછળ વર્ષોથી પડતર પડેલી જમીનમાં રાજ્યના શિક્ષણ વિભાગે મોરબી જિલ્લાના શિક્ષકોને તાલીમ આપવા માટે શિક્ષક તાલીમ કેન્દ્ર મંજુર કરવામાં આવતા અહીં રૂપિયા 5.50 કરોડના ખર્ચે ત્રણ માળનું અદ્યતન બિલ્ડીંગ નિર્માણ કરવાની કાર્યવાહી શરૂ કરી ખાલી પડેલા મેદાનમાં ઉભેલા અંદાજે 20 જેટલા ઘેઘુર વૃક્ષોનું છેદન કરી નાખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં કચવાટ ફેલાયો છે. જો કે, વૃક્ષ કાપવાની મંજુરીમાં પણ સામે કાપ્યા હોય તેથી વધુ વૃક્ષ ઉછેરવાની શરત હોય છે ત્યારે આ વૃક્ષ છેદન કરનાર કોન્ટ્રાકટર કાપેલા વૃક્ષની સામે નવા વૃક્ષ વાવશે કે કેમ તેના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.જો કે, મોરબી જિલ્લા શિક્ષણ ટ્રેનિંગ સેન્ટરમાં હજુ સુધી અધિકારીઓની નિમણુંક થઇ ન હોય આ મામલે હાલમાં વહીવટી સંભાળી રહેલા વ્યાખ્યાતા વી.વી.સુરેલીયાનો વૃક્ષ કાપવા અંગે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, નિયમ મુજબ સરકારી મંજૂરી લીધા બાદ જ વૃક્ષ કાપવામાં આવ્યા છે. શિક્ષકો જ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે ત્યારે પર્યાવરણનું અહીત ન થાય તેની કાળજી રાખી જેટલા વૃક્ષ કાપવામાં આવ્યા છે તેનાથી વધુ વૃક્ષ વાવવાની શરતે કોન્ટ્રાકટર પાસે કામગીરી કરાવવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.