પશુ માલિકોએ ફરજિયાત પશુઓની નોંધણી કરાવવી પડશેમોરબી : મોરબી શહેરમાં રખડતા પશુ ત્રાસ અટકાવ અને નિયમનના કાયમી પગલાઓના ભાગરૂપે પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલિસી-2023ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્રને ધ્યાને લઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલીસી મંજૂર કરાઈ હતી. આ પોલિસીની અમલાવરી કરવા અર્થે પશુપાલકો /પશુમાલિકોને જાહેર નોટીસ આપી જાણ કરવામાં આવી છે.આ પોલીસી પ્રમાણે મોરબી શહેરની હદમાં રહેલા જે પશુની નોંધણી તેમજ RFID ચીપ અને ટેગ લગાડવાની બાકી હોય તેવા પશુઓને પશુ દીઠ રૂ. 200/- ભરી પશુ નોંધણી કરાવી પશુમાં RFID ચીપ અને ટેગ લગાવડાવવાની કામગીરી પશુ માલિકે સત્વરે કરવાની રહેશે. જે પશુ માલિકો પાસે પશુ રાખવાની પોતાની માલિકીની જગ્યા ન હોય તેઓ 2 માસ બાદ શહેરમાં પશુ રાખી શકશે નહી તથા તેઓએ તાત્કાલિક ધોરણે શહેર બહાર સ્વખર્ચે પશુઓ શિફ્ટ કરી દેવાના રહેશે/એનિમલ હોસ્ટેલમાં રાખવાના રહેશે. અન્યથા આવા પશુઓ પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવશે. જે પરત આપવામાં આવશે નહીં.બે માસ બાદથી ચાર માસ સુધી જે પશુમાલિકો પાસે પશુ રાખવાની પોતાની માલિકીની જગ્યા હોય તેવા પશુની નોધણી તેમજ RFID ચીપ અને ટેગ લગાવવા માટેનો ચાર્જ પશુદીઠ 1 હજાર રૂપિયા વસુલ કરવામાં આવશે. નવા જન્મેલ/ નવા ખરીદેલ /અન્ય પાસેથી મેળવેલ/મૃત્યુ પામેલ/વેચેલ કે અન્યને આપેલ પશુની વિગતો પશુમાલિકો દ્વારા એ.એન.સી.ડી. શાખાને કરવાની રહેશે.જે પશુમાલિક વ્યક્તિગત ધોરણે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખતા હોય (વધુમાં વધુ 4 પશુઓ માટે) તેઓએ ત્રણ વર્ષ માટે રૂ.250/- ભરી પરમીટ તથા જે પશુમાલિક પશુના દૂધના વેચાણ અથવા અન્ય વ્યવસાયિક ઉપયોગ માટે પશુઓ રાખવા હોય તેઓએ ત્રણ વર્ષ માટે રૂ.500/- ભરી ફરજિયાત પણે લાયસન્સ લેવા મોરબી મહાનગરપાલિકા ખાતે અરજી કરી લાઇસન્સ/પરમીટ મેળવી લેવાનું રહેશે. લાયસન્સ પરમીટ પૂર્ણ થવાની હોય તેના એક માસ પહેલા નિયત પુરાવા સાથે અરજી કરી રીન્યુયલ ફી ભરી લાયસન્સ/પરમીટ રીન્યુ કરાવવાનું રહેશે. મુદત પૂર્ણ થયા બાદ રીન્યુ ફી રૂ. 100/- પ્રતિ માસ લેટ ફી ચૂકવવાની રહેશે.પાંજરાપોળ/ગૌશાળા જેવી સંસ્થાઓ કે જે ચેરીટેબલ એક્ટ હેઠળ નોંધાયેલ હોય અથવા આ પ્રકારની સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાએ લાયસન્સ મેળવવા તેમજ લાયસન્સ ફી /પરમીટ માંથી મુક્તિ મેળવવા નિયત પુરાવાઓ સહિત મોરબી મહાનગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે. શહેરમાં નવા પશુ લાવતા પૂર્વે મોરબી મહાનગરપાલિકાની મંજૂરી લેવાની રહેશે. જે કોઈ પશુપાલકો/ પશુમાલિકો શહેરની બહારથી નવા પશુ શહેરમાં લાવે તેમણે એક માસમાં પશુની નોધણી કરાવી, RFID ચીપ અને ટેગ લગાવડાવી તથા પરમીટ/લાયસન્સ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.પશુમાં લગાવેલ ટેગ કોઈ કારણોસર તુટી ગયેલ હોય/તોડી નાખેલ હોય તો RFIDનાં આધારે વેરીફાઈ કરી રૂ.500/- નો ચાર્જ લઈ ફરીથી ટેગ લગાવડાવવાની રહેશે. કોઈ પણ વ્યક્તિએ /સંસ્થાએ પોતાની જગ્યામાં ઘાસચારાનું વેચાણ કરવા માટે પ્રવર્તમાન કાયદા નિયમો અંતર્ગત લાયસન્સ /પરવાનગી મેળવવા માટે જરૂરી ફોર્મ તથા માહિતી મોરબી મહાનગરપાલિકા ખાતે રજુ કરી લાયસન્સ/પરવાનગી મેળવી લેવાની રહેશે. પશુ દ્વારા કોઈ નાગરીકોને ઇજા થાય કે મૃત્યુ થાય તે અંગેની સંપૂર્ણ જવવાબદારી પશુમાલિકની રહેશે. રખડતા પશુ પકડવાની ટીમની આસપાસ ફરતા બાઇકર્સ/શખ્સો જે કામગીરીમાં અવરોધ ઉભા કરે છે તેની અટકાયત કરી પોલીસ દ્વારા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.RFID ચીપ અને ટેગ વિનાનાં પશુઓ તેમજ લાયસન્સ/પરમીટ વિનાના પશુઓ શહેરમાં રાખી શકશે નહી આવા પશુઓને પકડી ઢોર ડબ્બામાં પુરવામાં આવશે. જે પરત કરવામાં આવશે નહિ. પ્રથમ વખત પશુઓ પકડાય ત્યારે છોડાવવા માટે નવા મંજૂર થયેલ દંડ તેમજ ખોરાકી – વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે. જો ઢોર બીજી વખ ત પકડાય તો દંડ દોઢ ગણો, ત્રીજી વખત પકડાય તો દંડ બે ગણો તથા ત્રણ કરતા વધુ વખત પકડાય તો દંડ ત્રણ ગણો વસુલ કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના પશુપાલકોના પશુઓ શહેરમાંથી પકડાય અને જ્યારે પશુપાલક પશુ છોડાવવા માંગે ત્યારે RFID ચીપ તથા ટેગીંગના ચાર્જ રૂ. 1000 /- વસુલી ત્રણ ગણો દંડ વસુલ કરવાનો રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.