ભાગ લેવા નિકળા બાદ વાઘપર સીમમાં ભૂલી પડી ગઈ, આખી રાત્રી તળાવ પાસે બેઠી રહીમોરબી : મોરબીના જેતપર ગામે માતાજીના માંડવામાં આવેલ હળવદના માલધારી પરિવારની પાંચેક વર્ષની બાળકી ગઈકાલે ભાગ લેવા ગયા બાદ લાપતા બની જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ અંગેનો ગુન્હો દાખલ કરી પોલીસ દ્વારા રાતભર તપાસ કરવામાં આવી હતી. જો કે, સદનસીબે જિયાંશી ગાળા નજીકથી હેમખેમ મળી આવતા પોલીસે અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હળવદ શહેરમાં કુંભાર દરવાજા બહાર રામાપીર મંદિર નજીક રહેતા મુનાભાઈ દાદુભાઈ ગોલતર નામના રીક્ષાચાલક યુવાનની 4 વર્ષ 10 મહિનાની પુત્રી જિયાંશી ગઈકાલે મોરબીના જેતપર ગામે માતાજીના માંડવાના પ્રસંગમાંથી લાપતા બની ગઈ હતી. જો કે જિયાંશી લાપતા બન્યા બાદ પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરવા છતાં બાળકી ન મળતા અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી બનાવની ગંભીરતા જોતા તત્કાળ પોલીસ ટીમોને દોડાવી બાળકીની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.બીજીતરફ માસૂમ બાળકી લાપતા બન્યા બાદ પરિવારજનોએ ભરવાડ સમાજની વાડીથી લઈ પીજીવીસીએલ કચેરી સુધીમાં બાળકી ગુમ થયાના સીસીટીવી હાથ લાગતા પોલીસને સમગ્ર ઘટના વર્ણવી હોય પોલીસ અને પરિવારજનોએ ઘનિષ્ઠ તપાસ જારી રાખી હતી. દરમિયાન મીડિયામાં પણ માસૂમ દીકરી વિશે સમાચાર પ્રસિદ્ધ થયા હોય સવારના સમયે ગાળા ગામની સીમમાં એક બાળકી તળાવ પાસે બેઠી હોવાનું જાગૃત નાગરિકના ધ્યાને આવતા તુરત જ પોલીસ અને પરિવારને જાણ કરી હતી અને આ બાળકી જિયાંશી જ હોવાનું સ્પષ્ટ થતા પોલીસ અને જિયાંશીના પરિવારે હાશકારો અનુભવ્યો હતો. જિયાંશી હેમખેમ મળી આવતા મુનાભાઈ ચોધાર આંસુએ રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.નોંધનીય છે કે ભાગ લેવા જવા નીકળેલી જિયાંશી ભૂલી પડી જતા વાઘપર તરફ જતી રહી હતી અને બાદમાં આખી રાત તળાવ કાંઠે બેસી રહી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પીઆઇ શિવકુમાર ચારેલએ જણાવ્યું હતું કે, જિયાંશી મળી આવી છે અને કેવી રીતે જિયાંશી ત્યાં સુધી પહોંચી તે અંગે તપાસ બાદ સાચું કારણ બહાર આવશે.