સામાન્ય જ્ઞાન કસોટીમાં ધોરણ 6 થી 8ના કુલ 68 વિદ્યાર્થીઓએ ભાગ લીધોમોરબી : તા.6 એપ્રિલ 2025 ને રવિવારના રોજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન રાંદલ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી મહાનગરપાલિકામાં ચીફ એકાઉન્ટન્ટ ક્લાસ 2 તરીકે ફરજ બજાવતા ડી.કે. બારડ તેમજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સ્નેહમિલનના આજીવન દાતા ચંદુભાઈ હુંબલ, સ્નેહ મિલન કાર્યક્રમના આજીવન દાતા અરવિંદભાઈ બોરીચા, આજની સામાન્ય જ્ઞાન કસોટીના દાતા અને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ એવા ડો.પ્રો. રામભાઈ વારોતરીયા અને પૂર્વ પ્રમુખ અજયભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. સામાન્ય જ્ઞાન કસોટીમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવેલા ધોરણ 6 થી 8 ના 68 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તમામ વિદ્યાર્થીઓને ડૉ.પ્રો.રામભાઈ વારોતરીયા દ્વારા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સામાન્ય જ્ઞાન કસોટીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મંડળના મંત્રી એવા મયુરભાઈ ગજીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કારોબારી મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. અરવિંદભાઈ બોરીચા દ્વારા ધો. 10ની વાર્ષિક પરીક્ષામાં મોરબી જિલ્લાના કોઈપણ પરીક્ષા કેન્દ્રમાંથી આહીર સમાજનો વિદ્યાર્થી કેન્દ્રમાં પ્રથમ નંબરે આવશે તો એમને અરવિંદભાઈ તરફથી 21000 રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત કરી છે.આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. પરીક્ષાનું તમામ આયોજન રમેશભાઈ છૈયા, ગૌરાંગભાઈ ગોહિલ, સાગરભાઇ ચાવડા, યશપાલ લોખીલ, વિજયભાઈ ડાંગર, વિજયભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા તમામને બિરદાવવામાં આવ્યા હતા.