હિટવેવના રેડ એલર્ટ વચ્ચે ભુજ અને અમદાવાદમાં 43 ડીગ્રી, સુરેન્દ્રનગરમા 44.2 ડીગ્રી અને રાજકોટમાં 43.9 ડીગ્રી તાપમાનમોરબી : રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે ત્યારે રવિવાર અને સોમવારે કચ્છમા હિટવેવના રેડ એલર્ટ તેમજ રાજકોટ, મોરબી અને પોરબંદરમાં હિટવેવના ઓરેન્જ એલર્ટ વચ્ચે રાજ્યમાં સૌથી હાઈએસ્ટ તાપમાન સુરેન્દ્રનગરમા 44.2 ડીગ્રી અને રાજકોટમાં 43.9 એટલે કે પારો 44 ડીગ્રીને આંબી ગયો હતો. બીજી તરફ કચ્છમાં રેડ એલર્ટ વચ્ચે પણ ભુજમાં મહત્તમ તાપમાન 43 ડીગ્રી નોંધાયુ હતું. જેથી મોરબીમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રીને આંબી ગયું હોવાના અણસાર છે. જો કે, આગામી તા.10 એપ્રિલથી મોરબી અને રાજકોટ સહિત રાજ્યમાં ગરમીમાં રાહત મળશે.સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એપ્રિલ માસના પ્રારંભથી જ ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કચ્છ અને રાજકોટ ઉપર સૂર્યદેવતા કોપાયમાન થયા હોય તેવી સ્થિતિ વચ્ચે આગામી 9 એપ્રિલ સુધી હિટવેવની ચેતવણી હવામાન વિભાગે આપી છે. મહત્વનું છે કે, તા.6 એપ્રિલ એટલે કે રવિવારથી કચ્છમા હિટવેવનું રેડ એલર્ટ અને રાજકોટ, મોરબી અને પોરબંદર માટે આજે પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. જો કે, સોમવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.2 ડીગ્રી, રાજકોટમાં 43.9, ભુજ અને અમદાવાદમાં 43 ડીગ્રી નોંધાતા સન્નાટો વ્યાપી ગયો હતો. રાજકોટમાં સવારે 11 વાગ્યાથી જ સૂર્યદેવતા રૌદ્રરૂપ બતવવાનું શરૂ કરતા જાહેર માર્ગો ઉપર લોકોની ચહેલ પહેલ ઘટેલી જોવા મળી હતી. રવિવારે રામનવનીનો તહેવાર હોવા છતાં બપોરના સમયે રીતસરનો રવિવારનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ ઘરમાં રહેવામાં જ સમજદારી દાખવી હતી.ઉલ્લેખનીય છે કે, હિટવેવની સ્થિતિમાં છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટમાં લોકોને ચક્કર આવી જવાના અને બેભાન થવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક અઠવાડિયામાં ઇમરજન્સી કેસોમાં ઉછાળો આવવાની સાથે સપ્તાહમાં બેભાન થવાના અને ચક્કર આવવાના, લુ લાગવાના ત્રણ ડઝનથી વધુ કિસ્સા નોંધાયા હોવાનું બિનસતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે હજુ પણ આગામી ત્રણ દિવસ કાલહાલ ગરમી શન કરવી પડશે અને આગામી 10 એપ્રિલથી ગરમીમાં રાહત મળવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.