ટંકારા : ટંકારામાં સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ એકઠા થઈને આગામી 6 એપ્રિલ ને રવિવારે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરને ધ્વજા પતાકાથી સજાવાયુ છે, ચોક ખાતે અયોધ્યા નિજ મંદિર થીમ પર પંડાલ ઉભો કરાયો છે. સાથે પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાત્રે તમામ ઘરોમાં દિવડા પ્રગટાવી નોમની સવારે એટલે કે રામનવમીના દિવસે ઘરના આંગણે આસોપાલવના તોરણ, ભગવી ધ્વજા બાંધી વિશાળ શોભાયાત્રામાં નગરજનો જોડાશે. શોભાયાત્રામાં જોડાનાર ભકત સમુદાય માટે ફળાહારની વ્યવસ્થા ઉપરાંત ઠેર ઠેર પાણી, ઠંડા પીણાનુ પણ આયોજન કરાયુ છે.શોભાયાત્રા આવતીકાલે રવિવારે સવારે 9:30 વાગ્યે લક્ષ્મી નારાયણ સોસાયટી ગરબી ચોકથી નીકળી શહેરના રાજમાર્ગો ઉપર ફરી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે બપોરે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ મહાલય ખાતે ફરાળ વ્યવસ્થા કરી છે. આજે સાંજે 6 વાગ્યે ફુલિયા હનુમાનજી મંદિર દેરીનાકાથી બાઈક રેલી નીકળશે. આ ઉજવણીમાં તમામ તાલુકા વાસીઓને જોડાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.