ફિશ માર્કેટ, વેન્ડિંગ ઝોન, શાક માર્કેટ, શોપિંગ સેન્ટર, કોમ્યુનિટી હોલ, કોમ્યુનિટી ટોઇલેટ, બસ સ્ટેન્ડ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેવા આપવા સામાજિક અગ્રણીની માંગમોરબી : માળિયા મિયાણામાં ફિશ માર્કેટ, વેન્ડિંગ ઝોન, શાક માર્કેટ, હોકિંગ ઝોન, શોપિંગ સેન્ટર, કોમ્યુનિટી હોલ, કોમ્યુનિટી ટોઇલેટ, બસ સ્ટેન્ડ, ઓટો સ્ટેંડ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેવા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે સામાજિક આગેવાન ઝુલ્ફીકાર સંધવાણી દ્વારા પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવી છે.જેમાં જણાવાયુ છે કે માળિયા મિયાણા જે મોરબી જિલ્લાના મહત્વપૂર્ણ તાલુકા મથકમાંનું એક છે, ત્યાં મૂળભૂત માળખાકીય સુવિધાઓનો અભાવ અને વ્યવસાયિક વિસ્તારો માટે યોગ્ય જગ્યા ન હોવાને કારણે સ્થાનિક નાગરિકો, નાના વેપારીઓ, લારી-પાથરણાવાળા, માછીમારો, શાકભાજી વેચનારાઓ અને અન્ય કામદાર વર્ગોના લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.માળિયા મિયાણા દરિયાઈ વિસ્તારમાં આવેલું હોવા છતાં માછીમારો માટે કોઇ અનુકૂળ ફિશ માર્કેટ નથી. તેમના વેપાર માટે પૂરતી હાઈજિનિક જગ્યા અને શેડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. લારી-પાથરણાવાળા માટે કાયદેસર અને અધિકૃત વેપાર માટે જાહેર વેન્ડિંગ ઝોન નિર્માણ કરવામાં આવે. અને તંત્ર દ્વારા અવારનવાર દબાણ હટાવવાનું બંધ કરી તેમને સ્થાયી વ્યવસાય માટે વ્યવસ્થિત જગ્યા આપવામાં આવે. સ્થાનિક ખેડૂતો અને શાકભાજી વેપારીઓ માટે શાકમાર્કેટ બનાવવી જરૂરી છે.અત્યારે તેઓ રસ્તાઓ પર ધંધો કરી રહ્યા છે, જે અસુરક્ષિત છે.વિભિન્ન વ્યાપારીઓ માટે ખાસ શોપિંગ કોમ્પ્લેક્સ અને વેપાર વિસ્તારોની જરૂરીયાત છે. જાહેર કાર્યક્રમો, લગ્ન, કોમ્યુનિટી મિટિંગ માટે જનતાને વ્યવસ્થિત હોલની જરૂર છે. અત્યંત દયનીય હાલતમાં જાહેર ટોઇલેટ છે, જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે. 2001 પછી માળિયા મિયાણામાં કોઇ બસ સ્ટેન્ડ નથી, જેના કારણે મુસાફરો અને સ્થાનિક લોકો માટે મુસાફરી મુશ્કેલ બની છે.માળિયા મિયાણા ખાતે તાત્કાલિક બસ સ્ટેન્ડ નિર્માણ માટે તંત્ર દ્વારા ગતિવિધિઓ શરૂ કરવી જોઈએ. મોરબી, રાજકોટ અને અન્ય શહેરોમાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન સેવા શરૂ કરવામાં આવી છે, પણ માળિયા મિયાણામાં હજુ પણ ગંદકી ભરેલી છે. સ્થાનિક નગરપાલિકા દ્વારા દરરોજ ગંદકી ઉઠાવવાનો પ્રબંધ કરવામાં આવે. જન્મ-મરણના રેકર્ડ સુવ્યવસ્થિત રીતે તાત્કાલિક ધોરણે ઉભા કરવામાં આવે. જેથી બાળકો શિક્ષણથી વંચીત ન રહે.આ ઉપરાંત લોક અધિકાર મંચ દ્વારા માળિયા મિયાણા તાલુકામાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટની ફાળવણી કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ સાથે આજીવિકા અને શિક્ષણ માટેના પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.