કચ્છમાં બે દિવસ માટે હીટવેવનું રેડએલર્ટ : રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. કચ્છમાં શનિવારે હીટવેવના ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 42.9 ડિગ્રી સ્થિર થયો હતો તો શનિવારે સુરેન્દ્રનગરમાં 43.6 અને રાજકોટમાં રેકોર્ડ તોડ 43.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. નોંધનીય છે કે,કાલથી કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ રાજકોટ અને મોરબીમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ અપાયું હોય મહત્તમ તાપમાન 44થી 45 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે.સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવને કારણે મહત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતા પાંચથી છ ડિગ્રી ઉંચે ચડ્યો છે ત્યારે કાલથી બે દિવસ માટે કચ્છ જિલ્લામાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે હીટવેવનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ હવામાન વિભાગે રાજકોટ અને મોરબી જિલ્લા માટે કાલથી બે દિવસ માટે હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હીટવેવને કારણે મહત્તમ તાપમાનમાં હજુ પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.શનિવારે હીટવેવના યલો એલર્ટ વચ્ચે પણ 43.6 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું હતું રાજકોટમાં શનિવારે એપ્રિલ મહિનાનું સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે, કચ્છમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ગઈકાલે 44.5 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ શનિવારે દોઢ ડિગ્રીના ઘટાડા સાથે 42.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં 42.8, અમરેલીમાં 42.1, અમદાવાદ અને ગાંધીનગરમાં 42, વડોદરામાં 41.2, કંડલામાં 40.4, પોરબંદરમાં 40, નલિયામાં 39.6, સુરત અને ભાવનગરમાં 39.2, ,દમણમાં 38.4, દીવમાં 34 અને દ્વારકામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.