હળવદ : હળવદના રૂક્ષ્મણી પાર્ક સોસાયટીના પ્લોટ નંબર 12માં અનઅધિકૃત રીતે મોબાઈલ ટાવર ઉભો કરાતો હોય આ કામગીરી અટકાવવા માટે રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.રૂક્ષ્મણી પાર્ક સોસાયટીના રહીશોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમના વિસ્તારના સર્વે નંબર- 2000/1ના લે-આઉટ પ્લાન મુજબ ફક્ત રહેણાકના ઉપયોગ માટે જ બીનખેતી થઈ છે. ત્યારે હાલ સોસાયટીના પ્લોટ નંબર 12માં સપ્ટેમ્બર 2024થી એપ્રિલ 2025ના સમયગાળા દરમિયાન આ પ્લોટના હક્ક ધરાવતા માલિકો દ્વારા 100 ટકા બાંધકામ કરાયું છે અને બે માળ ઉભા કરાયા છે. બીજા માળ પર હાલ અનઅધિકૃત રીતે મોબાઈલ ટાવરનું કામ ચાલુ છે. રહેણાકના હેતુ માટેની આ સોસાયટીમાં આ રીતે થતું ગેરકાયદે બાંધકામ જણાતું હોય અને ઈમ્પેક્ટ ફીના નિયમ મુજબનું જુનું બાંધકામ ન હોય હાલ પણ આ કામ ચાલુ છે. આમ રહેણાક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવો તેમજ આ ટાવરના કારણે સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલી તથા લોકોને રેડિએશનની અસરના કારણે તેમજ આવી રીતે રેસિડેન્સીયલ સોસાયટીમાં હેતુફેર વિના કરવામાં આવતા બાંધકામ તેમજ ટાવરનું કામ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.