બે અસામાજિક તત્વોના મકાન તોડી પાડી 1400 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી મોરબી : અપરાધીઓ વિરુદ્ધ 100 કલાકની ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લામાં સતત કાર્યવાહી થઇ રહી છે ત્યારે શનિવારે માળીયા મિયાણા પોલીસે મામલતદારની ટીમને સાથે રાખી પ્રોહિબિશન તેમજ શરીર સંબંધી ગુન્હામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ગયેલા જૂની ખીરઈ ગામના બે અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર બનાવેલ ગેરકાયદેસર મકાન તોડી પાડી 1400 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં શરીર સબંધી તેમજ પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ જુની ખીરઇ ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરેલ હોય મામલતદાર કચેરી સાથે સંકલન કરી માળીયા મિયાણા પોલીસે જાકીર ઉર્ફે જાકો હબીબભાઇ જેડાએ જુની ખીરઈ ગામે સરકારી ખરાબાની સર્વે નંબર ૧૯૨ પૈકી વાળી જમીન ઉપર ગેરકાયદેસર મકાન બનાવી કબ્જો કરી 800 ચોરસ મીટર જગ્યામાં મકાન બનાવેલ હોય તેમજ આરોપી અવેશભાઇ હબીબભાઇ જેડાએ પણ જુની ખીરઈ ગામે સરકારી ખરાબાની સર્વે નંબર ૧૯૨ પૈકી વાળી જમીનમાં 600 ચોરસ મીટર સરકારી જગ્યામાં મકાન બનાવેલ હોય બન્ને આરોપીઓના મકાન તોડી પાડી આશરે 1400 ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ દુર કરી કડક કાર્યવાહી કરી હોવાનું માળીયા મિયાણા પીઆઇ રતનસિંહ ગોહિલે જાહેર કર્યું હતું.