મોરબી : ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે મકાઈ માટે રૂ. 2,225 પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ. 2,625 પ્રતિ ક્વિ., જુવાર(હાઈબ્રીડ) રૂ. 3,371 પ્રતિ ક્વિ, જુવાર (માલદંડી) રૂ. 3,421 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4,290 પ્રતિ ક્વિ. નિયત કરવામાં આવ્યો છે. બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત રૂ. 300 પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવશે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.મારફતે કરવામાં આવનાર છે.લઘુતમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે 1-4-2025થી 30-4-2025 સુધી કરવામાં આવશે તેમજ ખરીદી તા. 1-5-2025 થી 15-7-2025 સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવવા અપીલ કરવામાં આવે છે.નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, 7/12, 8-અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8-અમાં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ મોરબી ગુ.રા.ના.પુ.ની.લી.ના નાયબ મેનેજેરની યાદીમાં જણાવાયું છે.