મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખની ઓળખ આપીને સાયબર ગઠિયાઓ વોટ્સએપ ઉપર છેતરપીંડીની પેરવી કરી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે આ મામલે સાયબર પોલીસને પણ જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. આ મામલે સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું કે કોઈ વ્યક્તિએ નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવી તેમાં તેમનો ફોટો અને નામ રાખ્યું છે. આ એકાઉન્ટમાંથી ઘણા ઉદ્યોગપતિ સહિતના લોકોને મેસેજ કરવામાં આવી રહ્યો છે કે હું મુકેશભાઈ ઉધરેજા છું આ મારો નંબર છે સેવ કરી લેજો. આમ છેતરપીંડીની પેરવી ગોઠવાઈ રહી હોય, આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી છે. વધુમાં તેઓએ કોઈને આ બોગસ વોટ્સએપ એકઉન્ટ સાથે કોઈ વ્યવહાર ન કરવા પણ જણાવ્યું છે.