ટેસ્ટ આપવા ઇચ્છતા ઉમેદવારોએ morbidp.gujarat.gov.in પર તા.15 એપ્રિલ રાત્રીના 12 વાગ્યા સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવુંમોરબી : રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિકલ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ દરમ્યાન મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા શુદ્ધ હેતુથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા અત્રેના મોરબી જિલ્લામાં વધુમાં વધુ સંખ્યામાં યુવાધન ઓનલાઇન અરજી કરવા પ્રેરાય અને તેઓને રોજગારી મળે તે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લામાં અંદાજે 1000 જેટલા યુવક/યુવતીઓએ ઓનલાઇન અરજી કરી હતી. જેથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા આવા ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ થાય તે માટે આગામી સમયમાં મોક ટેસ્ટ લેવાનું આયોજન કરાયું છે. જેથી મોક ટેસ્ટ આપવા ઇચ્છતા ઉમેદવારોને જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ morbidp.gujarat.gov.in પર તા. 1-4-2025 થી તા.15-4-2025ના રાત્રીના 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group – “D” (Level-1) ની એસ.એસ.સી./આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે 14 જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ 32,438 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 1-3-2025 હતી.