ત્રણ દિવસ ભુક્કા કાઢે તેવી ગરમી પડશે મોરબી : રાજ્યમાં મોસમ મિજાજ બદલી રહ્યો હોય તેમ એક તરફ હીટવેવ તો બીજી તરફ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આગામી તા.6ને રવિવારથી મોરબીમાં ત્રણ દિવસ આકરો તાપ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે.ચાલુ વર્ષે ફેબ્રુઆરી મધ્યભાગમાં જ આકરા તાપ પડવાની શરૂઆત થઇ છે ત્યારે માર્ચ મહિનો આખો ગરમ રહ્યા બાદ એપ્રિલ માસની શરૂઆતથી જ મોરબી સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાનું શરૂ થયું છે. બીજી તરફ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની સાથે પોરબંદર, કચ્છ, ગીરસોમનાથ અને ભાવનગર જિલ્લામાં હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યા બાદ હવામાન વિભાગે આગામી તા.6થી 8 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માટે મોરબી જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે. યલો એલર્ટને પગલે મોરબી જિલ્લામાં મહત્તમ તપમાનનો પારો 42 ડિગ્રીને વટાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.