ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની રજુઆત સફળ નીવડી, અંદાજીત રૂ.41 કરોડના ખર્ચે બન્ને બ્રિજના કામને મંજૂરી મળીહળવદ : હળવદ તાલુકામાં ટીકર ગામ પાસે બ્રાહ્મણી નદી ઉપર રૂ. 20 કરોડ તથા દિઘડિયા પાસે બ્રાહ્મણી નદી ઉપર રૂ.45 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાની રજૂઆતને પગલે હળવદ પંથકના બે બ્રિજ મંજુર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. હળવદ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ હસ્તક ના હળવદ-ટીકર રોડ ઉપર ટીકર ગામ પાસે બ્રાહ્મણી નદી પર આશરે ૨૫૦ મીટર લંબાઈના જુના હયાત કોઝવે પરથી અંદાજે 60 થી 70 ટન ભરેલ મીઠા અને રેતીની ગાડીઓનો હેવી ટ્રાફિક તથા ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદને કારણે પાણી ઓવર ટોપીંગ થતા વર્ષમાં લગભગ 2થી 3 વખત 6થી 7 દિવસ આ રસ્તો બંધ રહેતો હોવાને કારણે ટીકર, ઘાંટીલા, માનગઢ, અજીતગઢ વગેરે ગામોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાને લઇ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ બાબતે વાકેફ કરતા તેઓએ આશરે 20 કરોડના ખર્ચે હયાત કોઝ-વેની જગ્યાએ બારમાસી હાઈલેવલ બ્રીજ બનાવવાની સૈધ્ધાંતીક મંજુરી આપી છે.આ ઉપરાંત હળવદ-સરા રોડ પર દિધડીયા ગામ પાસે બ્રાહ્મણી નદી પર અંદાજે 250 મીટર લંબાઇના હયાત કોઝ-વેના ઉપરવાસ માં બ્રાહ્મણી ડેમ આવેલ હોય દર વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદના કારણે ડેમના દરવાજા ખોલતા કોઝ વે ઉપરથી અંદાજે 7થી8 ફૂટ જેટલું પાણી પસાર થવાને કારણે આ રસ્તો 2થી 3 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેતો હોય લોકોને તાલુકા કે જિલ્લા મથકે આવવા માટે અન્ય વૈકલ્પીક રસ્તો ન હોવાને કારણે સરા ગામ વિખૂટુ પડી સંપર્ક વિહોણુ થતું હતું. આ બાબતે પણ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા મુખ્યમંત્રીને વાકેફ કરતા તેઓએ આશરે 21 કરોડના ખર્ચે હયાત કોઝ-વેની જગ્યાએ બારમાસી હાઈલેવલ બ્રીજ બનાવવાની સૈધ્ધાંતિક મંજુરી આપતા આ વિસ્તાર ના પ્રજાજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ બન્ને કામો મંજુર થતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. તેમ યાદીમાં જણાવાયું છે.