નવો 7 મીટરનો રોડ બનાવવામાં નડતરરૂપ દબાણો તોડવાનું શરૂ, સમય વધશે તો બીજા રોડનો પણ આજે વારો લેવાશેમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે બુધવારની ઝુંબેશમાં દલવાડી સર્કલથી પીએમ આવાસ સુધીના રોડનો વારો લેવામાં આવ્યો છે. સવારથી મહાપાલિકાની ટિમ દ્વારા અહીં દબાણો તોડવાની કાર્યવાહી ચાલુ છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત દર બુધવારે એક રોડનો વારો લઈ ત્યાં ખડકાયેલા દબાણો તોડવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર સંજય સોનીની આગેવાનીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધીના રોડ પર દબાણ હટાવ ઝૂંબેશ સવારથી શરૂ કરવામાં આવી છે. જેમાં 2 દુકાનો, 12 ઓરડીઓ, 5 દુકાનોના ઓટલા, 20 ઝૂંપડાઓ અને એક દીવાલ તોડવામાં આવી રહ્યા છે. વધુમાં સાંજ સુધીમાં જો આ રોડ ઉપર દબાણ હટાવવાનું કામ પૂર્ણ થઈ જશે તો સ્ટેશન રોડ અને સામાકાંઠે રીલીફનગરમાં પણ જેસીબી ચલાવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે. આ રોડની વિઝિટ દરમિયાન દબાણો નડતરરૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી આ દબાણો હટાવવાની આજે કામગીરી કરવામાં આવી રહી છે. હવે જો સાંજ સુધીમાં આ રોડનું કામ પૂર્ણ થઈ જશે તો બીજો રોડ પણ લેવામાં આવશે.