મોરબી : મોરબી નજીક દાટી દીધેલ હાલતમાં બાળક મળી આવ્યાના બનાવને એક પખવાડિયું થયું છે. છતાં હજુ બાળકના માતા-પિતાની કોઈ ભાળ મળી નથી. વધુમાં આ બાળકને રાજકોટ ખાતે કાઠિયાવાડ બાલાશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર નવાગામ - અદેપર રોડ ઉપર લક્ષદ્રીપ કારખાના પાસે રોડની બાજુમાં કોઈએ ગત તા.19 માર્ચના રોજ સાંજે કોઈએ બાળકને ખાડો ખોદી દાટી દીધુ હતું. આ બાળકને મોઢે ડૂચો દેવાયો હતો ઉપરાંત મીઠું પણ છાંટવામાં આવ્યું હતું. જો કે આ બાળકને દાટવામાં આવ્યાના થોડી જ વાર બાદ ત્યાંથી એક શ્રમિક નીકળતા તેને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી તુરંત બહાર કાઢી 108ને ફોન કર્યો હતો. બાદમાં આ બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ બાળકનો વજન 3.2 કિલો હતું અને ત્યારે ઉંમર અંદાજે 5થી 6 દિવસ જેવી હતી. બાળક સંપૂર્ણ સ્વસ્થ હતું. જેથી તેને ગત ગુરૂવારના રોજ રાજકોટ ખાતે આવેલા કાઠીયાવાડ બાલાશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો છે. વધુમાં પોલીસ દ્વારા બાળકના માતા- પિતાને શોધવા તપાસ ચલાવવામાં આવી રહી છે. પણ હજુ તેમનો કોઈ પતો લાગ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.