7 દિવસમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકીમોરબી : ABVP મોરબી દ્વારા મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ (એલઈ કોલેજ)ના હોસ્ટેલના પ્રશ્નને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજૂઆત સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.રજૂઆતમાં જણાવાયું હતું કે, એલઈ કોલેજની હોસ્ટેલમાં છેલ્લા ઘણાં સમયથી વિદ્યાર્થીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે પીવાના પાણીની સુવિધા નથી, પીવાના પાણીનું કુલર છે પરંતુ બંધ અવસ્થામાં છે, બાથરૂમ તથા ટોયલેટની સાફ - સફાઈ થતી નથી, કર્મચારીઓ આવે છે પરંતુ લોબી સાફ કરી અને પાર્કિંગમાં બેસીને જતાં રહે છે, ન્યૂ હિલ હોસ્ટેલની અંદર 120 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન છે પરંતુ નહાવા માટે પાણીની બે - બે હજાર લિટરની માત્ર બે જ ટાંકી છે, ફાયર સેફ્ટી માટેના પાઇપ મુકેલ છે પરંતુ તેની પાણીની ટાંકી તૂટી ગઈ છે જેથી કરીને ક્યારેક મુશ્કેલીનો સમય આવે ત્યારે તે કંઈ જ ઉપયોગી થઈ શકે તેમ નથી, સાફ - સફાઈ થયેલા કચરાનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી, કચરા પેટીની સુવિધા જ નથી, નહાવા માટે ડોલ વગેરેની સુવિધા નથી, પાણીની ટાંકીનું પાણી છલકાઈને હોસ્ટેલ તરફ આવે છે જેના કારણે જીવ - જંતુનો ઉપદ્રવ વધે છે. આ બધી સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે. તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજૂઆત સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા કોલેજ પ્રશાસનને ચીમકી આપવામાં આવી હતી કે જો સાત દિવસમાં આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.