હળવદ પોલીસે માર્કેટિંગ યાર્ડ સામે તેમજ ઘનશ્યામપુર ગામે કરેલી કાર્યવાહી હળવદ : રાજ્યના પોલીસ મહાનિર્દેશકના 100 કલાકની ઝુંબેશના આદેશ અન્વયે હળવદ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 10 જેટલા અપરાધિક પ્રવૃત્તિ કરતા તત્વો વિરુદ્ધ પગલાં લઇ વીજચોરી પકડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાવી છે ત્યારે બુધવારે હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે તેમજ ઘનશ્યામપુર ગામે પોલીસે ઓપરેશન 100 કલાક અન્વયે અંદાજે 81 લાખની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.હળવદ પીઆઇ આર.ટી.વ્યાસના જાહેર કર્યા મુજબ હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ મારામારી, વ્યાજખોરી તેમજ લૂંટના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓએ સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાનું સામે આવતા હળવદ પોલીસે માર્કેટિંગ યાર્ડ સામે દબાણ કરનાર વ્યાજવટાવ અને મારામારીના ગુન્હામાં સંડોવાયેલ બટુક બાબુભાઇ કાંકરેચાના કબ્જામાંથી રૂ.11,37,300ની કિંમતની 669 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી હતી.આ ઉપરાંત હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અને મારામારી તેમજ લૂંટના ગુન્હા સંડોવાયેલ આરોપી રાજેન્દ્રસિંહ દિલીપભાઈ લીંબોલાંના કબ્જામાંથી અંદાજે 69,99,580ની કિંમતની અંદાજે 4046 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં હળવદ પોલીસે 10 આરોપીઓના ગેરકાયદેસર દુકાન, મકાન, હોટેલ સહિતના ગેરકાયદેસર બાંધકામ હટાવી આઠ આરોપીઓ વિરુદ્ધ વીજચોરી કરવા સબબ 11,95,000 રૂપિયાનો દંડ ફટકારવા અંગે પીજીવીસીએલ સાથે રહી કામગીરી કરી હતી.