પાઈપલાઈન નાખ્યા બાદ યોગ્ય લેવલીંગ ન કરાતા વાહન ચાલકો હેરાન : બે વર્ષ બાદ શરૂ કરાયેલ કામગીરી ઢંગધડા વગર થતી હોવાનો સ્થાનિકોનો આરોપમોરબી : મોરબી શહેરના ઘડિયાળ ઉદ્યોગના હબ એવા લાતીપ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટમાં બે વર્ષ બાદ અધૂરી કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. જો કે,હાલમાં કરવામાં આવી રહેલી કામગીરી લાઇન લેવલ કર્યા વગર જ ઢંગધડા વગર કરવામાં આવી રહી હોવાથી રસ્તાઓ ઉબળખાબળ બની જતા વાહનચાલકો અને વેપારી-ઉદ્યોગકારોને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદ પણ ઉઠવા પામી છે.મોરબીનો લાતીપ્લોટ અંદાજે 40 વર્ષથી અસ્તિત્વમાં છે, સૌ પ્રથમ મોઝેક ટાઇલ્સની ફેક્ટરીઓના હબ ગણાતા લાતીપ્લોટમાં 1990 પછી ઘડીયાળ ઉદ્યોગની સ્થપના થઇ અને ધીમે ધીમે આ વિસ્તારમાં 250 જેટલા ઘડિયાળ યુનિટો કાર્યરત થતા ઘડિયાળ ઉદ્યોગનું હબ બન્યો છે. સાથે જ અહીં ઘડિયાળ ઉદ્યોગને સંલગ્ન લેથ મશીનરી, મોલ્ડિંગ મશીનો, કાંટા ઉદ્યોગ, બોક્ષ પેકીંગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સહિતના 600 એકમો હાલમાં કાર્યરત છે. કુલ મળી મોરબીના લાતીપ્લોટની 14 શેરીમાં જુદા જુદા 1500 ઉદ્યોગો કાર્યરત છે. મજાની વાત તો એ છે કે, મોરબી મહાનગરપાલિકાને સૌથી વધુ ટેક્ષ આ વિસ્તારમાંથી જ મળતો હોવા છતાં વર્ષોથી લાતીપ્લોટ પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, મોરબીના લાતી પ્લોટમાં અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચે પાઈપલાઈન નાખવાની કામ મંજુર થયું હતું પરંતુ કામ યોગ્ય ન થતું હોવાથી બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, 2 વર્ષ બાદ ફરી વરસાદી પાણી નિકાલની કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં હાલ શનાળા રોડથી લાતી પ્લોટની 10 જેટલી આડી શેરીઓ તેમજ લાતી પ્લોટ 2,3,અને 4માં કામ ચાલુ છે. પરંતુ આ કામગીરીમાં લાઈન નાખીને યોગ્ય રીતે બુરાણ કે લેવલીંગ ન કરાતા દરેક શેરીમાં ખાડા ખબળા વારા રોડ થઇ ગયા છે.સાથે જ તમામ માર્ગો ઉપર ડામરનું તો નામો નિશાન ન રહેતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અને અનેકવાર વાહનો આ રોડ પર પડેલા ખાડામાં ફસાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.ચોમાસા સુધીમાં રસ્તો યોગ્ય નહિ થાય તો વિકટ પરિસ્થિતિ : વેપારીમોરબી શહેરના લાતીપ્લોટમાં હાલમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવા માટે આડેધડ ખોદકામ કરી લાઈનો નાખવામાં આવી રહી છે. જો કે, પાઈપલાઈન નાખવાની કામગીરી સારી છે પરંતુ પાઇપ લાઈન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય લેવલીંગ કરવાને બદલે ખાડા ખબળા યથાવત રાખી દેવામાં આવતા ઉદ્યોગકારો અને વેપારીઓની મુશ્કેલી વધી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જો ચોમાસા પહેલા યોગ્ય રીતે લેવલીંગ કરી રસ્તાઓ ચાલવા માટે યોગ્ય નહીં બનાવવામાં આવે તો ચોમાસામાં લાતીપ્લોટની સ્થિતિ વિકટ બની જશે.તમામ રસ્તાનું યોગ્ય લેવલીંગ કરાશે : ડેપ્યુટી કમિશનરમોરબી મહાનગર પાલિકના ડેપ્યુટી કમીશનર સંજય સોનીએ લાતીપ્લોટમાં થઇ રહેલી વરસાદી પાણીના નિકાલ અંગેની કામગીરી અંગે જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નખાયા બાદ જે રસ્તા પર યોગ્ય લેવલીંગ નહિ કરેલું હોય તેમાં યોગ્ય લેવલીંગ કરવામાં આવેશે જેથી કરીને ચોમાસામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.