જો વીજપોલ હટાવવામાં નહિ આવે તો રોડ ઉપર અકસ્માતની ભીતિમોરબી : મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર વચ્ચોવચ વીજ પોલ હોવા છતાં રોડની કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. ત્યારે આ દ્રશ્ય જોઈને સૌ કોઈ તંત્રની આવી કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર કલેકટર કચેરીથી કુબેર ટોકીઝ બાજુનો રોડ ઘણા દિવસથી બાકી હતો. હવે છેલ્લા 2થી 3 દિવસથી આ રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં વચ્ચોવચ વીજ પોલ હોવા છતાં પણ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જો આ રોડ આવી રીતે બનાવી નાખવામાં આવશે તો ભવિષ્યમાં અકસ્માતનું જોખમ ઉભું થશે. આ મામલે સિટી ઈજનેર હિતેશ આદ્રોજાને જાણ કરતા તેઓએ જણાવ્યું કે આ મામલે વીજ તંત્રને અગાઉ પણ જાણ કરવામાં આવી છે. હજુ ફરીથી આ વીજ પોલ હટાવવા વીજતંત્રને કહેવામાં આવશે.