ખેડૂતોના મત પ્રમાણે 550-600 રૂપિયા ભાવ મળે તો પોસાયઘઉં ખરીદનારના મત પ્રમાણે ભાવ મધ્યમમોરબી : માર્ચ એન્ડિંગના કારણે પાંચ દિવસના વેકેશન બાદ આજથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી અને વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. યાર્ડ ખુલતાની સાથે જ ઘઉંની બમ્પર આવક થઈ છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉં વેચવા માટે આવ્યા હતા. સાથે જ ઘઉંની ખરીદી કરવા માટે પણ લોકો યાર્ડમાં આવ્યા હતા. જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. તો બીજી તરફ ઘઉં ખરીદનાર ગ્રાહકોના મતે હાલના ભાવ મધ્યમ છે.આટલા ભાવ પોસાય નહીં, 550 રૂપિયા ભાવ મળવા જોઈએ- ખેડૂતઘઉં વેચવા આવેલા વિરપરના ખેડૂત બાબુલાલભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, 14 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને ઉત્પાદન 350 મણ જેટલું છે. ગત વર્ષ કરતાં ઉતારો પણ ઓછો છે અને આ વર્ષે ભાવ પણ મણના 465 રૂપિયા જેટલો આવ્યો છે. આટલા ભાવમાં ખેડૂતને પોસાય જ નહીં. ખાતરના અને ખેડના ભાવ વધી ગયા છે. ત્યારે ઓછામાં ઓછા 550 રૂપિયા ભાવ મળે તો ખેડૂતને પોસાય તેમ છે.ટંકારાથી આવેલા ખેડૂત સુરેશભાઈ ઘેટીયાએ જણાવ્યું હતું કે, રાત-દિવસ ખેતરે રહીએ ત્યારે આ ઘઉં પાકે છે. ત્યારે હાલ જે ઘઉંનો ભાવ છે તે પોસાય તેમ નથી. મોરબી યાર્ડમાં આજે 470 રૂપિયા ભાવ મારા ઘઉંના આવ્યા છે. મારા મત પ્રમાણે ઓછામાં ઓછા 550 રૂપિયા ભાવ હોવા જોઈએ.સમલીથી ઘઉં વેચવા આવેલા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, 490 રૂપિયામાં ઘઉં વેચ્યા છે. ધાર્યા પ્રમાણે ભાવ મળ્યા નથી. ગયા વર્ષ કરતાં ભાવ ઘણો ઓછો મળ્યો છે પરંતુ નાછુટકે વેચવા પડ્યા છે. આ ભાવમાં તો ખેડૂતને ખર્ચો પણ ના નીકળે.રાજપરથી આવેલા ખેડૂત કરણભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, તેમણે 25 વીઘા જમીન 50 હજારમાં વાવેતર માટે રાખી હતી અને 25 વીઘાના 500 મણ ઘઉં થયા છે. અહીંયા વેચવા આવ્યા તો 470 રૂપિયા ભાવ આવ્યો છે. જો 550-600 રૂપિયા ભાવ મળે તો ખેડૂતને ફાયદો થઈ શકે તેમ છે.ગત વર્ષ કરતાં ઘઉં સારા છે અને ભાવ પણ મીડિયમ છે- ગ્રાહકતો બીજી તરફ ઘઉં લેવા આવેલા ગ્રાહકોએ આ વર્ષે ઘઉંના ભાવ મીડિયમ હોવાનું કહ્યું છે. મોરબીથી ઘઉંની ખરીદી કરવા આવેલા પ્રવિણાબેને મોરબી અપડેટને જણાવ્યું હતું કે, હાલ ભાવ મીડિયમ છે અને ઘઉં પણ સારા છે. 500 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીના ઘઉં મળી રહ્યા છે.મોરબીથી ઘઉંની ખરીદી કરવા આવેલા ઓધવજીભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં ઘઉં સારા છે અને ભાવ પણ ઓછા છે.