ટોલટેક્સના દરમાં રૂપિયા 5થી 40 સુધીનો વધારો મોરબી : આજે મધ્યરાત્રીથી રાજ્યના તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપરની મુસાફરી વાહન ચાલકો માટે મોંઘી બનવા જઈ રહી છે ત્યારે મોરબી જિલ્લામાં આવેલ બામણબોર-કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા ખાતે પણ ટોલટેક્સના દરમાં રૂપિયા 5થી લઈ રૂપિયા 40 સુધીનો વધારો અમલી બનાવવામાં આવશે. સાથે જ વઘાસીયા ટોલનાકના માસિક પાસના ભાવમાં પણ 10 રૂપિયા વધારો કરાયો છે.નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા મુજબ બામણબોર-કચ્છ નેશનલ હાઇવે ઉપર વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા ખાતે વસુલવામાં આવતા ટોલટેક્સના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ ફોર વ્હીલના કાર, પેસેન્જર વાન અને જીપ જેવા વાહનો માટે સિંગલ મુસાફરી માટે છે 115 રૂપિયા લેવામાં આવતા હતા તેમાં વધારો કરી રૂ. 120 કરાયા છે.જયારે રિટર્ન મુસાફરી માટે રૂપિયા 170ના રૂ.180 કરાયા છે.જ્યારે લાઈટ કોમર્શિયલ વાહનના જે 185 રૂપિયા લેવાતા હતા તે 190 કરી દેવાયા છે અને બસ જેવા વાહનોના 390 રૂપિયા લેવામાં આવતા હતા તે વધારીને 400 રૂપિયા કરી દેવાયા છે. વધુમાં આજે મધ્યરાત્રીથી વઘાસીયા ટોલનાકા ખાતે થ્રી એક્સલ કોમર્શિયલ વાહનોનાઅગાઉ લેવામાં આવતા રૂ. 425ના સ્થાને નવા દર રૂ 440 કરી દેવાયા છે. સાથે જ આ કેટેગરીમાં રિટર્ન મુસાફરી માટે 635 રૂપિયાના બદલે દર વધારી 655 રૂપિયા કરવામાં આવ્યા છે. જયારે કન્સ્ટ્રક્શન મશીનરી અથવા અર્થ મુવિંગ અથવા મલ્ટી એક્સેલ વાહનોના 610 રૂપિયા લેવાતા હતા તે વધીને હવે 630 રૂપિયા કરી દેવાયા છે અને રિટર્ન પાસના અગાઉ રૂ.910ના બદલે રૂ.945 કરાયા છે. આ ઉપરાંત ઓવર સાઈઝ વાહનનો ટોલટેક્સ રૂ. 740થી વધારી રૂ. 765 કરી રિટર્ન મુસાફરી માટે અગાઉ લેવાતા રૂ.1110થી વધારી નવા દર 1150 કરવામાં આવ્યા છે. સાથે જ લોકલ વાહનો માટે મંથલી પાસમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.