વાંકાનેર : શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા ટ્વિનિંગ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 'શાળાઓ વચ્ચે ભાગીદારી' તરીકે પણ ઓળખાય છે. જેનો ઉદ્દેશ બે શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજા પાસેથી શીખે તેવો છે. શાળાઓની વચ્ચે સુસંગત શિક્ષણની તકો માટે પરસ્પર જોડાણ સ્થાપિત થાય જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી થઈ શકે. આ ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત તા 22 માર્ચના રોજ વાંકાનેર તાલુકાની બોકડથંભા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દીઘલિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને 29 માર્ચના રોજ દીઘલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બોકડથંભા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. બંને શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરસ્પર મુલાકાત દરમિયાન પોતાના અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકબીજાને ઉપયોગી માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. આ ઉપરાંત બન્ને શાળાના વિદ્યાર્થીઓ એકબીજા સાથે વિવિધ રમતો રમ્યા હતા. બન્ને શાળાના વિદ્યાર્થીઓએ બાળગીત, અભિનય ગીત, પ્રશ્નોત્તરી રજૂ કરી હતી. બંને શાળાઓએ શાળાકીય આયોજન, શાળા વ્યવસ્થાપન પ્રવૃત્તિ, શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે જાણકારી, વિવિધ સર્જનાત્મક બાબતો, શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કર્યું હતું.