પરિસ્થિતિ થાળે પડતા અંદાજે બે મહિના લાગશે, ત્યારબાદ નવા બાંધકામો શરૂ થતાં જ ટાઇલ્સની વધુ ડિમાન્ડ આવવાથી વેપાર સરભર થઈ જવાની આશામોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે ગાઢ વ્યાપારી સંબંધો ધરાવે છે. વર્ષે મોરબીથી અંદાજીત 500 કરોડની ટાઇલ્સની થાઇલેન્ડમાં નિકાસ થાય છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે દર મહિને અંદાજે રૂ.30 કરોડની નિકાસ થઈ રહી છે. ભૂકંપના કારણે સિરામિક ઉદ્યોગોનો થાઇલેન્ડ સાથેનો વેપાર અંદાજે બે મહિના સુધી ઠપ્પ થઈ જાય તેવું હાલ લાગી રહ્યું છે. જો કે ત્યારબાદ ત્યાં રીપેરીંગ કામ તેમજ નવા બાંધકામમા ટાઇલ્સની ડિમાન્ડમાં વધારો આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.મ્યાનમાર અને પડોશી દેશ થાઇલેન્ડમાં 7.2નો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, બંને દેશોમાં 1000 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે યુએસ ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીએ 10 હજારથી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. સિરામિક અગ્રણી નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું કે જે કુદરતી ઘટના ઘટી છે તે ખૂબ જ દુઃખદ છે. આવા કપરા સમયમાં અમારી સહાનુભૂતિ તે લોકોની સાથે છે. ત્યાં જન જીવન ફરી ધબકતું થાય તેવી ભગવાનને પ્રાર્થના છે. વધુમાં તેઓએ જણાવ્યું કે થાઇલેન્ડમાં મોરબીના સિરામિક ઉદ્યોગનું સારુ માર્કેટ છે. મ્યાનમારમાં નહિવત જેવું છે. થાઈલેન્ડમાં ભૂકંપની અસર ખૂબ છે. ત્યાં માર્કેટને સેટ થતા હવે એકાદ બે મહિના થાય તેવું લાગે છે. એકાદ બે મહિના સુધી સિરામિક ઉદ્યોગને ફટકો પડવાનો છે. જો કે ત્યારબાદ ત્યાં બાંધકામમા રીપેરીંગ કામ ચાલશે એટલે થોડા સમય બાદ ત્યાંથી ઓર્ડર પણ આવવા લાગશે અને નવા બાંધકામ ચાલુ થાય પછી નવી ડીમાન્ડ પણ આવશે પરંતુ હાલમા પેમેન્ટ અને જે પણ લોડીંગ કરવાના બાકી છે તેમા વિપરીત અસર આવશે.સિરામિક અગ્રણી મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું કે થાઇલેન્ડ અને મ્યાનમારમાં જે કુદરતી આપતિ આવી છે તે આઘાતજનક છે. થાઇલેન્ડમાં મહિને અંદાજીત 25થી 30 કરોડ જેટલી નિકાસ છે. અંદાજે બે મહિના જેટલો સમય નિકાસને અસર થઈ શકે છે બાદમાં ફરી માર્કેટ ખુલતા આ નુકસાન કવર થઈ શકે છે. સિરામિક અગ્રણી હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે થાઇલેન્ડ - મ્યાનમારની ઘટના દુઃખદ છે. જનજીવન જલ્દીથી સામાન્ય થાય તેવુ ઇચ્છીએ છીએ. બેથી ત્રણ મહિના મોરબીના સિરામિક ઉદ્યોગોને અસર થશે. બાદમાં ફરી જ્યારે માર્કેટ પુનઃશરૂ થશે એટલે માર્કેટ રિકવર થઈ જશે. આમ બેથી ત્રણ મહિના જે નિકાસ બંધ રહેશે તે પછીના દિવાઓમાં સરભર થઈ જશે એવી આશા છે.સિરામિક અગ્રણી મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે થાઇલેન્ડ અને મ્યાનમારમાં સર્જાયેલી કુદરતી ઘટના ઘણી દુઃખદ છે. આની મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સર્જાનાર અસર જોઈએ તો થાઇલેન્ડના જે કન્સાઈન્મેન્ટ તૈયાર થયા છે તે અટકી જશે. ઉપરાંત પેમેન્ટ પણ થોડા સમય માટે અટકી જશે. આમ મોરબીના સિરામિક ઉદ્યોગને આ દુર્ઘટનાની આવી અસરો થશે તેવું લાગી રહ્યું છે.