જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નવ મોટા ઉદ્યોગો થકી ૪૫૫.૫૫ કરોડ નું મૂડી રોકાણ આવ્યું મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નવા નવ મહાકાય ઉદ્યોગ શરૂ કરવા માટે મંજૂરી મળી છે, આ નવ ઉદ્યોગો મોરબી જિલ્લામાં કુલ રૂપિયા ૪૫૫.૫૫ કરોડનું મૂડી રોકાણ આવ્યું છે. સાથે જ મોરબી જિલ્લામાં છેલા એક વર્ષમાં ૧૦૦૬ એમ.એસ.એમ.ઈ એકમોને રૂપિયા ૫૪૯૫.૦૭ લાખની વ્યાજ સહાય ચુકવવામાં આવી હોવાનું ગુજરાત સરકારે જાહેર કર્યું છે.ગુજરાત વિધાનસભામાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ તારાંકિત પ્રશ્ન કર્યો હતો કે, તા.૩૧-૧૨-૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં કેપિટલ સબસીડી ટુ લાર્જ ઇન્ડસ્ટ્રીઝ અને થ્રસ્ટ સેકટર સહાય યોજના અંતર્ગત કેટલા મોટા કદના ઉદ્યોગોની અરજી મંજુર કરવામાં આવી છે ? જેના જવાબમાં રાજ્યના ઉદ્યોગમંત્રીએ જવાબ આપ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં આવી નવ અરજીઓ મંજુર કરવામાં આવી છે અને આ એકમો થકી રૂ.૪૫૫.૫૫ કરોડનું મૂડી રોકાણ ઉભું થયું છે. જયારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગમંત્રી સમક્ષ તારાંકિત પ્રશ્ન કરી જણાવ્યું હતું કે, ઔધોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં માઈક્રો, સ્મોલ અને મીડીયમ એકમોને કેટલી વ્યાજ સહાય અરજીઓ મંજુર કરવામાં આવી છે અને કેટલી વ્યાજ સહાય ચુકવવામાં આવી છે ? તારાંકિત પ્રશ્નના જવાબમાં લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં મોરબી જિલ્લામાં ૧૦૦૬ એકમોને એક વર્ષમાં રૂપિયા ૫૪૯૫.૦૭ લાખની વ્યાજ સહાય ચૂકવાઈ છે.