દરરોજ 111 ને બદલે 220 ટોકન આપવાનું શરૂ : માર્ચ એન્ડિંગને પગલે રાજકોટથી વધારાના એક સબરજિસ્ટ્રાર મુકાયામોરબી : રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ માસથી નવી જંત્રી અમલી બનાવવામાં આવે તેવી દહેશતને લઈ મોરબી શહેર અને જિલ્લામાં માર્ચ એન્ડિંગમાં દસ્તાવેજ નોંધણી માટે તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભીડ જામી રહી છે. ખાસ કરીને અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે નોંધણી નિરીક્ષક દ્વારા મોરબીમાં 111ને બદલે હાલમાં 220 એપોઇન્ટમેન્ટ સ્લોટ વધારી દેવામા આવ્યા છે, સાથે જ હાલમાં દરરોજ 200 જેટલા દસ્તાવેજની નોંધણી થઇ રહી છે. સાથે જ સ્લોટ વધારવા છતાં મોરબીમાં આજ સાંજ સુધીની એપોઇન્ટમેન્ટ બે દિવસ પહેલા જ ફૂલ થઇ ગઈ હોવાનું જાણવા મળે છે.માર્ચ એન્ડિંગના કારણે હાલમાં રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં છેલ્લા એક સપ્તાહથી દસ્તાવેજ નોંધણી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને આગામી એપ્રિલ માસથી સરકર જંત્રીદરમાં વધારો કરશે તેવી દહેશત જોતા લોકો જંત્રીના ભાવ વધે તે પહેલા જ મિલ્કતના દસ્તાવેજ નોંધાવવા માટે અધીરા બન્યા હોવાનું પણ સામે આવ્યું છે.મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીમાં અગાઉ દરરોજ ત્રણ આઈડીમાંથી દસ્તાવેજ નોંધણી માટે 111 જેટલા ટોકન આપવામાં આવતા હતા પરંતુ દસ્તાવેજ નોંધણીમાં ધસારો વધતા હાલમાં દસ્તાવેજ નોંધણી માટે ટોકનની સંખ્યા 220 કરવામાં આવી છે.બીજી તરફ મોરબીમાં માર્ચ મહિનાના અંતિમ ભાગમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ 200ની આસપાસ દસ્તાવેજ નોંધણી થાય છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ત્રણ સબ રજિસ્ટ્રાર રેગ્યુલર મુકાયા છે જેમાં દસ્તાવેજ નોંધણીનો આંકડો વધતા વધારાના એક સબ રજીસ્ટ્રાર રાજકોટથી ખાસ મુકવામાં આવ્યા છે. આમ ચાર સબ રજીસ્ટ્રાર દ્વારા હાલ મોરબીમાં દસ્તાવેજ નોંધણી સવારે 9 વાગ્યાથી શરુ કરી દેવામાં આવે છે.