હળવદ : ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં હળવદની સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. જે અન્વયે તારીખ 21 અને 22 માર્ચે મોરબી જિલ્લાની બાસ્કેટબોલ ટીમ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં બરોડા ખાતે રમવા ગઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની ટીમો રમવા આવી હતી. આ બે દિવસથી સ્પર્ધામાંથી ગુજરાત રાજ્ય લેવલની ટીમમાં સાંદિપની ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સ્નેહ અશોકભાઈ પારસીયાની પસંદગી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની ટીમમાં પસંદગી થવા બદલ સાંદિપની સ્કૂલના એમડી હિતેનભાઈ ઠક્કર, ડો. શ્વેતાબેન ઠક્કર તથા સમગ્ર સાંદિપની સ્કૂલ પરિવાર દ્વારા સ્નેહ પારસીયાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને રમતગમત ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવાઈ છે. આ વિદ્યાર્થીએ સાંદિપની સ્કૂલના રમત ગમતના કોચ ઋતુરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ મેળવી છે.