ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર વિભાગે અચાનક જ ભાવવધારો અમલી બનાવ્યો મોરબી : જીએસઆરટીસી એટલે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર વિભાગ દ્વારા તા.28ની મધ્યરાત્રીથી એસટી બસ ભાડામાં 10 ટકાનો ભાવ વધારો અમલી બનાવતા મધ્યરાત્રીથી મુસાફરી મોંઘી બની છે, આ અગાઉ એસટી નિગમે વર્ષ 2023માં 25 ટકા જેટલો ભાડા વધારો કર્યા બાદ ફરી એક વખત મુસાફરોને ભાડા વધારાનો ડામ આપ્યો છે. એસટી બસના ભાડામાં વધારો થતા મોરબી-રાજકોટ વચ્ચે મુસાફરીના હાલમાં ચાલતા 51 રૂપિયાને બદલે લોકોને વધારાના 5 રૂપિયા ચૂકવવા પડશે.રાજ્યના એસટી નિગમ દ્વારા નવી બસોની ખરીદી, પગાર ભથ્થામાં વધારા અને ડીઝલના ભાવને ધ્યાને લઈ તા.28ની મધ્યરાત્રીથી અચાનક જ એસટી બસના ભાડામાં 10 ટકા વધારો કરવા નિર્ણય કર્યો છે. જેથી આજ મધ્યરાત્રીથી મુસાફરી કરવી મોંઘી બનશે. રાજકોટ એસટી ડેપોના વિભાગીય અધિકારી જે.બી.કલોત્રાએ જણાવ્યું હતું કે, વર્ષ 2023 બાદ નિગમ દ્વારા લાંબા સમય બાદ મુસાફરી ભાડામાં વધારો કરવા નિર્ણય કર્યો છે. એસટી બસના ભાડામાં કરેલા વધારા પ્રમાણે 48 કિમી સુધીની મુસાફરીમાંથી 1 થી 4 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. એસટી બસના ભાડા વધતા રાજ્યના 10 લાખ જેટલા મુસાફરોને આ ભાવ વધારાની અસર થશે.