મોરબી : શહેરી ઘરવિહોણા લોકોને ગરમીથી બચાવવા મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે ડે-ડ્રાઈવ યોજવામાં આવી હતી. મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓનું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક થયેલી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તારીખ 27 માર્ચના રોજ બપોરના સમયે કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા બપોરના સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી હિટવેવને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી દિવસ દરમ્યાન ડે-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહમાં તબદીલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 15 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુ ને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.