હવામાન નિષ્ણાત કિશોર ભાડજાએ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે જણાવ્યું મોરબી : આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજાએ માહિતી આપી છે. કિશોરભાઈ ભાડજા 2025નું વર્ષ કેવું રહેવાનું છે જે ચૈત્રસુદ પાંચમની ખાદલી (ગાડલી) ઉપરથી આખા વર્ષનું તારણ આપતા આવ્યા છે. આ ખગોળીય ઘટના છે જેને ખાદલીના નામે ઓળખાય છે. કિશોરભાઈ ભાડજાના જણાવ્યા પ્રમાણે ચૈત્રસુદ પાંચમની રાત્રે આકાશમાં નિહાળી એ ક્રુતિકા નક્ષત્રને છોકરા કહેવાય છે. રોહિણી નક્ષત્રને માલના ગાડાથી ઓળખાય છે. ચંદ્રને વશિયાત એટલે (વેપારી) કહેવાય છે અને મૃગશીર્ષ નક્ષત્રને રખેવાળ કહેવાય છે. આ વર્ષે તારીખ 02-04-2025 ને બુધવાર ચૈત્ર સુદ પાંચમની રાત્રે ખાદલી ઉપરના ચિત્ર પ્રમાણે પશ્ચિમ દિશામા 8:30 મિનિટથી જોવા મળશે. ચિત્ર પ્રમાણે વશિયાત માલના ગાડાથી પાછળ દૂર સમતોલમાં ચાલે છે તે જોતા ખેત ઉત્પાદન મધ્યમ સારું થાય ચિત્રમાં વશિયાત છોકરાઓની પાછળ પાછળ એક રસ્તા પરથી ચાલે છે. તેથી માણસ સમુદાય ઉપર થોડી ઘણી મુશ્કેલીના એંધાણ વર્તાય. ચિત્રમાં વસિયાત રખેવાળથી દૂર ચાલે છે તે જોતા સરહદ ઉપર કોઈ ભય દેખાતો નથી. વૈશાખ મહિનામા ભરણી નક્ષત્ર ઉત્તરતા અને કૃતિકા નક્ષત્ર બેસતા તારીખ 10 મે નજીકમા માવઠાની શક્યતાઓ છે. આ વર્ષ 2025ની સાલનું ચોમાસુ 10 દિવસ મોડું આવશે. આ વર્ષે આદ્રા નક્ષત્ર બેસતા તારીખ 22 જૂનથી પ્રિ-મોન્સુન શરૂઆત થશે. તારીખ 22-06-2025 રવિવાર આદ્રા નક્ષત્ર સમય 6:20 મિનિટથી બેસે છે. તેમનું વાહન ઉંદરનુ છે. ચંદ્ર નક્ષત્ર ભરણી અષાઢ સુદ દસમથી પૂનમ આદ્રા નક્ષત્ર ઉતરતા અને પુનર્વસુ નક્ષત્ર બેસતા તારીખ 5 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આવશે. પુષ્પ નક્ષત્ર બેસતા અને ઉતરતા પણ વરસાદનો રાઉન્ડ સારો છે. અશ્લેખા નક્ષત્રમા અને મધા નક્ષત્રમાં વરસાદની ખેંચ વરતાઈ ભાદરવા સુદ દશમ થી પૂનમ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં તારીખ 3 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બરમાં જોરદાર વરસાદનો રાઉન્ડ આવશે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં તારીખ 18 સપ્ટેમ્બરથી વરસાદનો જોરદાર નદી નાળા છલકાય તેવો રાઉન્ડ આવશે. જે 10 દિવસનો રાઉન્ડ છેય હાથિયો નક્ષત્ર બેસતા નૈઋત્ય ચોમાસુ વિદાય લેશે. આ વર્ષે રોહિણી વાસ પર્વત પર અને મેઘ નિવાસ કુંભારને ધરે છે. આ સાલ તારીખ 29-03-2025 શનિવાર શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં સમય 21:40 મિનિટે પ્રવેશ કરશે અને ફાગણવદ અમાસ તારીખ 29 માર્ચ 2025 શનિવાર સૂર્ય ગ્રહણ છે. સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને મીન રાશિમાં છ ગ્રહો ભેગા થાય છે. સૂર્ય, ચંદ્ર, શુક્ર, શનિ, બુધ અને રાહુ આ વર્ષે ચૈત્ર સુદ પાંચમ તારીખ 2 એપ્રિલ 2025 ને બુધવાર આવશે. આ વર્ષે ચૈત્ર સુદ પાંચમની ખાદલી જોતા આ વર્ષે માણસ સમુદાઈ ઉપર થોડીક મુશ્કેલીના એંધાણ દેખાય છે. આ આગાહી ખગોળ શાસ્ત્રના આધારે કરવામાં આવે છે. આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે. બાકી બધું કુદરતને આધીન હોવાનું હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજા (ગામ નેસડા (ખાનપર), તા ટંકારા, મો.નં. 9586590601) દ્વારા જણાવાયું છે.