મોરબી : તાજેતરમાં સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ બાબતે પુનઃ વિચારણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાતી પેપર-2માં પહેલા પ્રશ્નથી 100માં પ્રશ્ન સુધી ક્રમશઃ ABCDABCD પેટર્નમાં જવાબો આપવામાં આપેલા હતા. જેના પરિણામે આ પરીક્ષામાં પહેલાંથી જ વિવાદ સર્જાયેલો હતો. તેમજ આ પરીક્ષા લેવાની જવાબદ્વારી જે GTU સંસ્થાને સોંપવામાં આવી હતી તે સંસ્થાના રજિસ્ટ્રાર દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું કે એમના જે પ્રાધ્યાપક દ્વારા ગુજરાતીનું પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં પ્રશ્નોના જવાબો સેટ કરવામાં ભૂલ થઈ હતી અને તેઓને નોટીસ પણ આપવામાં આવી છે. જે વાત ધ્યાને લઈ આરોગ્ય મંત્રી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ આજદિન સુધી તેઓ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને કોઈ પગલાં પણ લેવામાં આવ્યા નથી. જેના પરિણામે ઘણા વિદ્યાર્થીઓએ ગુજરાતી પેપર-2માં 100માંથી 100 ગુણ મેળવેલા છે જે શંકાસ્પદ છે. જેના અનુસંધાને ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થયો છે અને તેમની વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું છે. તો આ અંગે જરૂરી પગલાં લઈ તેજસ્વી અને સક્ષમ વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય આપવા અને ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે છેડછાડ ન થાય તે ધ્યાને લેવા મુખ્યમંત્રીને નિર્ણય લેવા જણાવાયું છે.