અગાઉ 26 ફ્લેટધારકોને નોટિસ અપાઈ હતી : અમુક ફ્લેટમાં પાલિકાના કર્મચારીઓના સગા પણ રહેતા હોવાનું ખુલ્યું : ઘણા ફ્લેટધારકો કાર્યવાહીથી બચવા થોડો ઘણો સામાન લઈ રહેવા પણ આવી ગયામોરબી : મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવલે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોલમલોલ ચાલતું હોય આજે મહાપાલિકાની ટિમ દ્વારા લાભાર્થીઓને બદલે બીજા લોકો રહેતા હોય તેવા ફ્લેટ સિલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.મોરબીમાં શનાળા બાયપાસ નજીક દલવાડી સર્કલ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે બીજા લોકો રહેતા હોય મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે 608 ફ્લેટમાંથી 26 ફ્લેટ એવા હતા કે લાભાર્થીઓને બદલે તેમાં બીજા રહેતા હતા. આવા ફ્લેટ ધારકોને નોટિસ આપી ખુલાસા માંગવામાં આવ્યા હતા. આજ રોજ આવા ફ્લેટ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાપાલિકાની ટિમ સવારથી આવાસ યોજનામાં પહોંચી જતા ફ્લેટ ધારકોમાં દોડધામ મચી ગઇ હતી. અહીં અમુક ફ્લેટમાં તો નગરપાલિકાના કર્મચારીઓના સગા રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં ઘણા ફ્લેટ ધારકો કાર્યવાહીથી બચવા થોડો ઘણો સામાન લઈને રહેવા પણ આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.