ખોખરા હનુમાન મંદીર જતા દર્શનાર્થીઓ અને 150 જેટલા ઔદ્યોગિક એકમોએ જતા વાહનચાલકોને રહેશે સરળતામોરબી : મોરબીના બેલા-ખોખરા હનુમાન મંદિર - ભરતનગર રોડને 7 મીટર પહોળો કરવામાં આવશે. રૂ.30 કરોડના ખર્ચે થનાર આ કામને મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે. મોરબીમાં ગઈકાલે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રૂ.30 કરોડનું રોડનું કામ સૂચવવામાં આવ્યું હતું. તેને તુરંત મંજૂરી આપી દેવામાં આવી છે. આ કામ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે બેલા- ખોખરા હનુમાન મંદિર - ભરતનગર રોડને 7 મીટર પહોળાઈમાં આરસીસી રોડ કરવા તેમજ જરૂરી નવા સ્ટ્રકચર, બ્રિજના નિર્માણ માટે રૂ.30 કરોડની મંજૂરી આપવામાં આવી છે. વધુમાં જણાવાયુ છે કે આ રોડ નેશનલ હાઇવે તથા મોરબી - જેતપર સ્ટેટ હાઇવેને જોડતો ખૂબ જ અગત્યનો રોડ છે. માર્ગ વિકાસની આ કામગીરીને લીધે ખોખરા હનુમાનજી મંદિરના દર્શનાર્થીઓ તથા આ રોડ ઉપર આવેલ આશરે 150 જેટલા ઔદ્યોગિક એકમોને ફાયદો થશે.