મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગરમાં ગટરની કુંડીની યોગ્ય સફાઈ ન થવાથી ગટર છલકાઈ રહી છે અને લોકોના ઘરમાં પણ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રામકૃષ્ણનગર સી-7 નંબરની શેરીમાં ગટરની કુંડી પણ ઉભરાઈ રહી છે અને લોકોના ઘરમાં પણ ગટરના પાણી છલકાઈને બહાર આવી રહ્યા છે. જેના કારણે અત્યંત દુર્ગંધ આવી રહી છે અને લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે.સ્થાનિક રહીશ રાહુલભાઈ મેવાડાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, રામકૃષ્ણનગર સી-7 નંબરની શેરીમાં ગટર ઉભરાઈ રહી છે. ગટરની કુંડી સાફ ન કરવાના કારણે શેરીમાં આવેલા ઘરોમાં પણ ગટર છલકાઈ રહી છે અને ઘરમાં ગટરના પાણી ભરાયેલા રહે છે. છેલ્લા ઘણા દિવસથી આ સમસ્યા થઈ રહી છે. આશરે 20 જેટલા ઘરોમાં ગટરના પાણી ઉભરાય છે. આ અંગે અવાર નવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. જો ગટરની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય તેમ છે. ત્યારે તાત્કાલિક ધોરણે ગટરની કુંડની સાફ-સફાઈ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.