વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા સવાલમાં વિગતો સામે આવી મોરબી :ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બાંધી અમલમાં છે પરંતુ આરોગ્ય હેતુસર દારૂની પરમીટ મેળવી માલેતુજારો પોલીસના ડર વગર નિરાંતે દારૂ પી શકે તેવી જોગવાઈ હોવાથી દર વર્ષે રાજ્યમાં હજારો લોકો આરોગ્ય પ્રમાણપત્ર મેળવી દારૂની પરમીટ કઢાવે છે. બીજી તરફ બુધવારે રાજ્યની વિધાનસભામાં દારૂની પરમીટ માટે આપવામાં આવતા આરોગ્ય પ્રમાણપત્રની ઝડી વરસી હતી. રાજ્યના દસ ધારાસભ્યોએ 20 જિલ્લામાં છેલ્લા બે વર્ષમા દારૂની પરમીટ માટે ઈશ્યુ કરાયેલ આરોગ્ય પ્રમાણપત્ર અંગે સવાલો કરતા આરોગ્ય વિભાગે જવાબ આપ્યો હતો. જેમાં મોરબી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 48 લોકોને આરોગ્ય પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોવાનો સરકારે જવાબ આપ્યો હતો.વિધાનસભાના બજેટ સત્રમાં શાસક અને વિપક્ષના ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની ઝડી વરસાવી રહ્યા છે ત્યારે બુધવારે વિધાનસભામાં રજૂ થયેલા કુલ 70 પ્રશ્નોમાંથી દસ ધારાસભ્યોએ અલગ અલગ 20 જિલ્લામાં છેલા બે વર્ષમાં તા. ૩૧-૦૧-૨૦૨૫ની સ્થિતિએ આરોગ્ય હેતુસર દારૂના સેવન માટે પરમીટ મેળવવા માટે મેડિકલ પ્રમાણપત્ર માટેની કેટલી અરજીઓ વિભાગને મળી, કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી નામંજૂર કરવામાં આવી અને ફી પેટે કેટલી રકમ સરકારને મળી? તેવા પ્રશ્ન આરોગ્ય વિભાગને કર્યો હતો જેના જવાબમાં અલગ અલગ જિલ્લાની સ્થિતિ રજૂ થઇ હતી. જે અંતર્ગત મોરબી અને બોટાદ જિલ્લામાં બે વર્ષની સ્થિતિ અંગે અમદાવાદ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષભાઉ પરમારે સવાલ કર્યો હતો.વધુમાં આરોગ્ય વિભાગે જવાબ આપ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં 60 અરજીઓ મળી હતી જેમાંથી 48 અરજીઓ મંજુર કરવામાં આવી હતી અને 2 અરજીઓ ના મંજુર કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિને 12,8500 ની આવક થઇ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ બોટાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમા 42 અરજીઓ દારૂની પરમીટ માટે આરોગ્ય પ્રમાણપત્ર મેળવવા માટે અરજી થઇ હતી જેમાં 39 અરજીઓ મંજુર કરવામાં આવી હોવાનો આરોગ્ય વિભાગે જવાબ રજૂ કર્યો હતો.