ટંકારા : 24 માર્ચે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા લોકોના આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન તથા સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામૂહિક ચિંતા કરી તેમને નીક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમમાં વધારો કર્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં લોકલ દાતા દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવે છે.મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વર્ષ 2024 માં 45 પંચાયતમાંથી 14 ગ્રામ પંચાયત ધારા ધોરણ મુજબ વેરિફિકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર થયેલ છે. આ જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયતના સરપંચને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકાર દ્વારા નિર્ધારિત થયેલ ગાંધીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપવામાં આવી હતી. આ તકે તાલુકા પંચાયત ટંકારાના ઉપપ્રમુખ ચાર્મિબેન ભાવિનભાઈ સેજપાલ, લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સૃષ્ટિબેન ભોરણીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેશ કે. પટેલ, ટીબી સુપરવાઇઝર પ્રતીક દેવમુરારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ વર્ષાબેન ગોસ્વામી, લક્ષ્મણભાઈ ચાવડા, અક્ષય ગોસ્વામી તેમજ કાજલબેન મહેતાએ કર્યું હતું.