મોરબી : ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન 2025-26માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ને “નોડલ એજન્સી' તરીકે નિયુક્ત કરી તા. 17-3-2025થી ઘઉંની ખરીદી હાથ ધરવામાં આવી છે.લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે 1-1-2025 થી 16-3-2025 સુધી કરવાની હતી, જેમાં વધારો કરી તા. 5-4-2025 સુધીની કરવામાં આવી છે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવવા અપીલ કરવામાં આવે છે.નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, 7/12 .8/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171819 ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ મોરબી ગુ.રા.ના.પુ.ની.લી.ના નાયબ મેનેજેરની યાદીમાં જણાવાયું છે.