લીંબુની સાથે જ ચોળી અને ગુવારના ભાવમાં પણ બમણો વધારો, ગૃહિણીઓમાં દેકારોમોરબી : ઉનાળાની શરૂઆત થતા જ મોરબી શહેરમાં લીંબુના ભાવમાં ચાર ગણો ઉછાળો આવતા આ ભાવ વધારાની અસર હેઠળ લીંબુ સરબત અને સોડાના ભાવમાં પણ ગ્લાસ દીઠ રૂપિયા 5નો વધારો થતા લોકોમાં દેકારો બોલી ગયો છે. બીજીત રફ તડકા પડવા શરૂ થતા ચોળી અને ગુવાર સહિતના શાકભાજીના ભાવમાં પણ ઉછાળો આવ્યો હોય ગૃહિણીઓમાં લીંબુ અને શાકભાજીના ભાવ વધારાથી રાડ પડી ગઈ છે.સીરામીક નગરી મોંઘવારી માટે જાણીતી છે ત્યારે ઉનાળાની શરૂઆત સાથે જ મોરબીની બજારમાં લીંબુના ભાવમાં અત્યંત ઉછાળો આવ્યો હોવાનું સામે આવ્યું છે. હજુ 20 દિવસ પહેલા 50 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાતા લીંબુના ભાવ 200 રૂપિયે કિલો સુધી પહોંચી જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. સાથે જ લીંબુના ભાવમાં વધારો થતા સ્વાસ્થ્યપ્રદ લીંબુ સરબત અને સોડાના ભાવમાં વધારો થયો છે. લીંબુ સોડાના અગાઉ રૂ.15 હતા તે હાલમાં રૂ.20 થઇ ગયા છે અને લીંબુ સરબતના રૂ.20 હતા તે રૂ.25 કરી નાખવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ઉનાળાના આકરા તાપ પડવાની શરૂઆત સાથે જ લીંબુના ભાવ વધાવાની સાથે જ લીલા ચોળા -ચોળી અને ગુવારના ભાવમાં પણ વધારો થયો છે જેમાં ચોળા અગાઉ રૂ. 60-80 રૂપિયા કિલોગ્રામના ભાવે વેંચતા હતા તેના ભાવ વધીને 100-120 રૂપિયા પ્રતિકિલોના થયા છે. જયારે ગુવારનો ભાવ પહેલા રૂ.70-80 પ્રતિકિલોગ્રામના હતા તે વધીને રૂ.120-140 થઇ ગયા છે. હજી વધુ તડકા પડશે એટલે અન્ય શાકભાજીના ભાવ પણ વધવાની શક્યતા વેપારીઓએ દર્શાવી હતી. સાથે જ ભાવ વધારાને કારણે ગૃહિણીઓએ લીંબુ, ચોળા અને ગુવાર જેવા શાકભાજીની ખરીદીમાં કાપ મુક્યો હોવાનું પણ જાણવા મળે છે.