દાસબાપાના હુલામણા નામથી જાણીતા ત્રિભોવનદાસ જોબનપુત્રા સમગ્ર પંથકમાં સેવાના પર્યાય બન્યા તેઓએ છેલ્લા 15 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે એક કરોડથી વધુની રાશિ ખર્ચી હળવદ : હળવદ તાલુકાના મયુરનગરના વતની અને સમગ્ર પંથકમાં સેવાના પર્યાય બનેલા દાસ બાપાને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. તેઓના 101માં જન્મદિવસની આજે મયુરનગર પે સેન્ટર શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.તેઓને સમસ્ત ગ્રામજનોએ સદાય સ્વસ્થ રહી આવી જ રીતે સેવાકાર્યો કરી પંથકનું નામ ઉજાગર કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.ત્રિભોવનદાસ ત્રિકમજીભાઈ જોબનપુત્રા કે જેઓ દાસ બાપાના નામથી જાણીતા બન્યા છે.આટલી ઉપરે પણ તેઓની સેવાકાર્યો કરવાની સ્ફૂર્તિ યુવાનોને પણ શરમાવી દયે તેવી છે.બાળકોના શિક્ષણ માટે તેઓ છેલ્લા અનેક દાયકાઓથી સેવામાં અગ્રેસર રહ્યા છે.છેલ્લા 15 વર્ષમાં તેઓએ અંદાજે રૂ.1 કરોડ જેટલી રાશિ શિક્ષણ ક્ષેત્રે અને ગાયો માટે ખર્ચી છે.જરૂરતમંદ તેજસ્વી વિદ્યાર્થીનો સંપૂર્ણ શિક્ષણ ખર્ચ તેઓ ઉઠાવે છે.આજે તેઓની મદદથી અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સુવર્ણ અક્ષરે લખી રહ્યા છે. દાસબાપા ઓર્ગેનિક ખેતીના હિમાયતી છે.તેઓ કહે છે કે મારે તો હજુ ઘણું જીવવાનું છે અને એવી ઓર્ગેનિક ખેતી કરવી છે કે આપણા વડાપ્રધાન આ ખેતી જોવા અહીં આવે. હાલ દાસબાપા ઇઝરાયેલી ખારેકની સાથે અન્ય પાકની પણ ઓર્ગેનિક ખેતી કરે છે.આ મીઠી મધુર ખારેક કઈ રીતે ઉગાડવી અને શું માવજત રાખવી તેની માહિતી પણ અન્ય ખેડૂતોને આપે છે.