મોરબી : આજ રોજ 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન તથા સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે, ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામૂહિક ચિંતા કરી તેમને નિક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમમાં વધારો કર્યો છે.આ સાથે જ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકલ દાતા દ્વારા ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવે છે. સરકારે ટીબી મુક્ત ભારત બનાવવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલ છે તે દિશામાં મોરબી સતત આગળ વધી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ 2024માં કુલ 363 ગ્રામ પંચાયત માંથી 126 પંચાયત ધારા ધોરણ મુજબ વેરીફીકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર થયેલ છે. જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયતના સરપંચને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકાર દ્વારા નિર્ધારિત થયેલ ગાંઘીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ મોરબી તાલુકાના ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી તથા 'નિક્ષય મિત્ર' તરીકે નોંધાયેલ અગ્રણી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ તેમજ એક જિલ્લા ક્ષય કેન્દ્રના આરોગ્ય કર્મચારી કોમલબેન બાવરવાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, RCHO ડો.સંજય શાહ, DTO ડો. ધનસુખ અજાણા, THO ડો. રાહુલ કોટડીયા, DIECO સંઘાણીભાઈ, પ્રોગ્રામ કો- ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, તાલુકા ટીબી સુપરવાઇઝર અંકિતભાઈ પરમાર સહિત સમગ્ર અધિકારી /કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.