દેશી-વિદેશી દારૂનું વેચાણ અને મારામારી કરતા સહોદરની દુકાનો કડડડભૂસ હળવદ : હળવદ તાલુકાના માથક ગામમાં દેશી-વિદેશી દારૂના વેચાણ ઉપરાંત મારામારી સહિતના અનેક ગુન્હામાં સંડોવાયેલ બે સગાભાઇઓ દ્વારા સરકારી જમીન ઉપર દુકાનો બનાવી કેબિનો રાખી દબાણ કરી લેવામાં આવતા હળવદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર એક્શન લઈ બુટલેગર બંધુઓના દબાણનો કડૂસલો બોલાવી દેવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામના રોહિત વાઘજીભાઇ પરમાર તથા ચતુર વાઘજીભાઇ પરમાર વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના કેસ ઉપરાંત મારામારીના ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયેલ હોય આ બન્ને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો તથા કેબીન બનાવેલ હોવાનું સામે આવતા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી સોમવારે ઈસમોએ જાતે સરકારી જમીન પર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી ખાલી કરી આપેલ હતી.પોલીસ અને વહીવટી તંત્રએ અંદાજે 450 વાર સરકારી જમીન ખુલ્લી કરાવી હતી જેની જંત્રી મુજબ કિંમત અંદાજે 30,960 ગણવામાં આવે છે.