આજે 22 માર્ચે મહાયાગનું આયોજન, રાત્રે હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા થશે23 માર્ચે સવારે શોભાયાત્રા નીકળશે, બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજનમોરબી : મોરબીમાં નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિરનો તારીખ 20 થી 23 માર્ચ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે તારીખ 23 માર્ચ ને રવિવારના રોજ SMVS સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થશે. SMVS સંસ્થાના આદ્ય સ્થાપક ગુરુદેવ બાપજીનો મોરબીની ધન્ય ધરા ઉપર શિખર બધ્ધ મંદિરનો સંકલ્પ આવતીકાલે પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે આ ભવ્યાતી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગાંધીનગરથી હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીના દિવ્ય સાનિધ્યમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ મળશે.આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં 20 થી 23 માર્ચ દરમિયાન દરરોજ રાત્રે વચનામૃત પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુરુવર્ય સ્વામીની અમૃતવાણી, નિકટ દર્શનનો લાભ મળી રહ્યો છે. હરિકૃષ્ણ મહારાજનો દિવ્ય અભિષેકનો લાભ દરરોજ વચનામૃત પારાયણ વખતે તમામ મોરબીની ધર્મપ્રેમી જનતાને મળી રહ્યો છે. આજે તારીખ 22 માર્ચના રોજ બપોરે 3 થી 7 કલાક દરમિયાન સ્વામિનારાયણ મહાયાગ (યજ્ઞ)નું આયોજન કરાયું છે. જેમાં 251 દંપતી મહાયાગનો લાભ લેશે. રાત્રિ પારાયણ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા કરશે.23 માર્ચ ને રવિવારે સવારે 8-30 વાગ્યે મંદિરથી મોરબીના વિવિધ રાજમાર્ગો ઉપર હરિકૃષ્ણ મહારાજ સાથે સંસ્થાના ગુરુજી સ્વામી તથા સંતો તથા ત્યાગી મુકતો તથા હજારો હરિભક્તો – હાથી, ઘોડા, વિવિધ સ્પોટ દ્વારા આખા મોરબી શહેરના માર્ગો ઉપર અનેકાનેક મુમુક્ષુઓને દર્શન દાન આપવા માટે નીકળશે. બપોરે 3 કલાકે SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તૈયાર થયેલા નવનિર્મિત મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થનાર છે. 23 માર્ચના રોજ સવારથી સામાજિક પ્રવૃતિના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં 40 જેટલા સંતો તથા 40 જેટલા ત્યાગી મુકતો જોડાશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, મુંબઈ, હૈદરાબાદથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે.