છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા શખ્સે હદ વટાવતા ફરિયાદ, રોમિયોને નશો કરેલી હાલતમાં ઝડપી લેવાયોમોરબી : મોરબીમાં ગુંડાગીરી, લુખ્ખાગીરી, વ્યાજખોરીના બનાવ વધ્યા છે ત્યારે ગતરાત્રીના માસીના ઘેર ગયેલ યુવતીનો પીછો કરી સડકછાપ રોમિયોએ હદ વટાવી દઈ યુવતીનો હાથ પકડી પરાણે સંબંધ રાખવા દબાણ કરતા યુવતીએ દેકારો કરતા સડક છાપ રોમિયો મુઠ્ઠીઓ વાળી નાસી ગયો હતો. આ બનાવમાં આ શખ્સ છેલ્લા એક વર્ષથી યુવતીને હેરાન કરતો હોય અંતે ગઈકાલે યુવતીએ મધ્યરાત્રીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તાત્કાલિક રોડ રોમિયોને નશાની હાલતના ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર માતા સાથે રહેતી 20 વર્ષીય યુવતીને છેલ્લા એક વર્ષથી હેરાન પરેશાન કરી વારંવાર પીછો કરતા શખ્સે ગત રાત્રીના સમયે આ યુવતી તેણીના માસીના ઘેર અવની ચોકડી પાસે જતા રોડ રોમિયો મેહુલ હરસુરભાઈ જિલરીયા રહે.યદુનંદન -1 વાળાએ પીછો કરી યુવતીને અટકાવી મારી સાથે ફ્રેન્ડશીપ કર કહી હાથ પકડી લઈ છેડતી કરતા યુવતીએ હિંમત પૂર્વક આ રોડ રોમિયોનો પ્રતિકાર કરતા લોકો એકત્રિત થઈ ગયા હતા. જો કે લોકો એકત્રિત થઈ જતા શખ્સ એક્ટિવા લઈ નાસી ગયો હતો. આ ગંભીર બાબતે યુવતીએ તેણીના માસી સાથે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.બીજી તરફ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી ખાનગી નોકરી કરવા જતી હોય તે સમયે પણ આ રોમિયો પીછો કરતો હતો અને અવારનવાર સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હેરાન કરતો હતો. દરમીયાન પોલીસ ફરિયાદ બાદ પીએસઆઇ સહિતની ટીમે આરોપીને તાત્કાલિક યદુનંદન સોસાયટીમાંથી દબોચી લેતા આ શખ્સ નશામાં ધૂત હાલતમાં મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કાયદાની જોગવાઈ મુજબ છેડતી કરવી તેમજ પ્રોહીબિશન એકટ અન્વયે બે અલગ અલગ ગુન્હા દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.