સેકન્ડ સીટીંગનું ભાડું રૂ.75 બરાબર પણ એસી ચેરનું આટલું તોતિંગ ભાડું કઈ રીતે તે પ્રશ્ન : એસી ચેરના ભાડામાં રાજકોટ-ભુજ અને રાજકોટ- મોરબી વચ્ચે માત્ર રૂ.30નો જ તફાવત ટ્રેન દરરોજ સવારે 6:50 કલાકે ભુજથી ઉપડશે, 11:22 કલાકે મોરબી અને બપોરે 1 :35 કલાકે રાજકોટ પહોંચશે, ત્યાંથી ફરી બપોરે 2:30 કલાકે ઉપડશે, 3:51 કલાકે મોરબી અને રાતે 9:40 કલાકે ભુજ પહોંચશેમોરબી : ભુજ-રાજકોટ વચ્ચે અઢી મહિના માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેનો આજથી પ્રારંભ થયો છે. આ ટ્રેનથી મોરબી-રાજકોટ વચ્ચે પરિવહનમાં ઘણી સરળતા પડવાની છે પણ આ ટ્રેનમાં રાજકોટ-મોરબી વચ્ચેનું એસી ચેરનું ભાડું ખૂબ વધુ હોય એસીમાં મુસાફરી કરવી મોરબીના લોકોને પરવડે તેમ જ નથી. રેલવે દ્વારા ઘણા લાંબા સમય બાદ ભુજ-મોરબી- રાજકોટ સ્પેશિયલ ટ્રેનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેનનું મોરબી રેલવે સ્ટેશન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે આ ટ્રેનની લાંબા સમયથી માંગ હતી એટલે રેલવે દ્વારા અઢી મહિના માટે શરૂ કરવામાં આવી છે. હવે આ ટ્રેન કાયમી શરૂ રહે તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. આ ટ્રેનનું ટાઇમટેબલ જોઈએ તો આ ટ્રેન દરરોજ સવારે ભુજથી સવારે 6:50 કલાકે ઉપડશે. મોરબી 11:22 કલાકે પહોંચશે. જ્યારે રાજકોટ બપોરે 1:35 કલાકે પહોંચશે. ત્યારબાદ આ ટ્રેન ફરી રાજકોટથી બપોરે 2 :30 કલાકે ઉપડશે. મોરબી બપોરે 3:51 કલાકે પહોંચશે અને રાત્રે 9:40 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેનનો મોરબી, દહીંસરા, માળિયા મિયાણા, સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ સ્ટેશન ઉપર હોલ્ટ રહેશે. આ ટ્રેનમાં બે કેટેગરીમાં સીટીંગ છે. એક સેકન્ડ સીટીંગ અને બીજું એસી ચેર. સેકન્ડ સીટીંગનું મોરબી- રાજકોટ વચ્ચેનું ભાડું રૂ.75 રાખવામાં આવ્યું છે. જ્યારે એસી ચેરનું મોરબી- રાજકોટ વચ્ચેનું ભાડું અધધધ રૂ.505 રાખવામાં આવ્યું છે. હવે માત્ર એસી ચેરમાં બેસવા આટલા પૈસા ખર્ચીને રાજકોટ-મોરબી વચ્ચે કોણ મુસાફરી કરે તે પણ પ્રશ્ન છે. બીજી મહત્વની વાત એ છે કે રાજકોટ-ભુજ વચ્ચે એસી ચેરનું ભાડું રૂ.535 રાખવામાં આવ્યું છે. આમ મોરબી-રાજકોટ વચ્ચેનું એસી ચેરનું જે ભાડું છે તેનાથી માત્ર રૂ.20 જ વધુ છે. એટલે આ ભાડું પેસેન્જરોમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે.રાજકોટથી મોરબી સમયસર આવી શકાશે, પણ મોરબીથી રાજકોટ વધુ ટાઈમ લાગશેરેલવેની ઓનલાઈન ટીકીટ બુક કરતી એપ્લિકેશનમાં આ ટ્રેનનો જે સમય દર્શાવવામાં આવ્યો છે તેમાં રાજકોટથી મોરબી પહોંચતા 1 કલાક 16 મિનિટ જેટલો સમય થશે તેનું જણાવાયુ છે. જો કે મોરબીથી રાજકોટ પહોંચતા 2 કલાક 8 મિનિટ જેટલો સમય થશે તેવું દર્શાવાયુ છે.