ખેતીની જમીનમાં કોમ્પ્લેક્ષનું બાંધકામ આવી રહ્યું હોવાનું જણાવી મહાપાલિકાની ટિમ જેસીબી લઈ પહોંચી : તેની પાસે તમામ હુકમો અને કોર્ટના કાગળો હોવાનો જમીન માલિકનો દાવોમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે બિનઅધિકૃત રીતે થઈ રહેલા નવા બાંધકામો સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહાપાલિકાની ટીમ અવની પાર્ક સોસાયટી સામેના એક કોમ્પ્લેક્ષને તોડવા માટે પહોંચી હતી. ત્યારે અહીં ડિમોલિશન સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બિનઅધિકૃત રીતે થઇ રહેલા 63 જેટલા બાંધકામોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આજથી જ દર શુક્રવારે નવા બાંધકામો તોડી પાડવાની ડ્રાઇવ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાપાલિકાની ટીમે આજે લખધીરવાસ ચોક અને આલાપ રોડ વિસ્તારમાં નવા બાંધકામો તોડ્યા છે. ત્યારે સાંજના સમયે મહાનગરપાલિકાની ટીમ અવની પાર્ક સોસાયટી સામે આવેલા વિસ્તારમાં પહોંચી હતીમ જ્યાં એક કોમ્પ્લેક્ષનું બાંધકામ ચાલી રહ્યું હતું. અહીં મહાપાલિકાની ડિમોલિશનની કામગીરીનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ પિલર પાસે ઉભી રહી ગઈ છે અને ન હટવાનું જણાવી રહી છે? બીજી તરફ મહિલા પોલીસ સહિતનો કાફલો પણ બોલાવી લેવામાં આવ્યો છે. હાલ મહાપાલિકા અને જમીન માલિક વચ્ચે ઉગ્ર દલીલો ચાલી રહી છે. મહાપાલીકાના અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ કોમ્પ્લેક્ષ ખેતીની જમીન ઉપર બનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ જમીન માલિક એવો દાવો કરી રહ્યા છે કે તેમની પાસે તમામ હુકમો અને કોર્ટના કાગળો પણ છે.